NEET-UG Scam Case: જ્યારથી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG નું પરિણામ જાહેર થયું ત્યારથી વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ પરિણામમાં છેતરપિંડી અને ગેરરીતિનો આક્ષેપ પણ કર્યો છે.
NEET UG પરિણામ જાહેર થયા બાદ વિપક્ષે પણ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
NEET મુદ્દે કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે, અમે રાહ જોઈ રહ્યા છીએ કે સરકારનું હૃદય ક્યારે પીગશે, ક્યારે તેઓ સમજશે કે આ પરીક્ષા ખોટી હતી, 24 લાખ બાળકો અને ભારતની આરોગ્ય સેવાઓ સાથે અન્યાય થયો છે.
મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો
NEET-UG પરિણામોમાં છેડછાડના નવા આરોપો અને સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ શિક્ષણ મંત્રાલય હરકતમાં આવી ગયું છે. આ મુદ્દે ખુદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉચ્ચ અધિકારીઓ સાથે લાંબી બેઠક યોજી હતી. જેમાં NEET સંબંધિત વિવાદના તમામ પાસાઓ પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને મંત્રાલયે તમામ વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે જેમાં પુનઃ પરીક્ષાનો વિકલ્પ પણ સામેલ છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
NTAના વલણથી નારાજ કેન્દ્રીય મંત્રી
જો મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો કેન્દ્રીય મંત્રી પ્રધાન આ સમયગાળા દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વલણથી ખૂબ નારાજ છે. તેમનું માનવું હતું કે NTA એ પરીક્ષા અંગે પારદર્શિતા જાળવવી જોઈતી હતી અને જ્યારે ગેરરીતિઓ પ્રકાશમાં આવી ત્યારે આગળ આવવું જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ, જે તેમણે કર્યું નથી.