વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં One Nation, One Election ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે (Modi Cabinet) દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
વન નેશન-વન ઇલેક્શનનો કન્સેપ્ટ શું છે ?
ભારતમાં વન નેશન-વન ઈલેક્શનનો અર્થ એ છે કે સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ સાથે સ્થાનિક સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થવી જોઈએ. આની પાછળનો વિચાર એ છે કે આ ચૂંટણીઓ એક જ દિવસે અથવા નિશ્ચિત સમયમર્યાદામાં થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી વન નેશન વન ઇલેક્શનની વાત કરતા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું, ‘હું તમામને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પને મેળવવા માટે એક સાથે આવવાનો અનુરોધ કરૂ છું, જે સમયની માંગ છે.’ લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ આ મુદ્દા પર કહ્યું હતું કે સરકારના પુરા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટણી થતી રહેવી ના જોઇએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, હું હંમેશાથી કહું છું કે ચૂંટણી માત્ર ત્રણ કે ચાર મહિના માટે થવી જોઇએ. પુરા 5 વર્ષ રાજકારણ ના થવું જોઇએ.
કેન્દ્રની NDA સરકારમાં ભાજપ સિવાય ચંદ્રબાબુ નાયડુની TDP, નીતિશ કુમારની JDU અને ચિરાગ પાસવાનની LJP (R) જેવી મોટી પાર્ટીઓ છે. JDU અને LJP(R) તો એક દેશ, એક ચૂંટણી માટે તૈયાર છે જ્યારે TDPએ તેના પર કોઇ જવાબ આપ્યો નથી. JDU અને LJP (R)એ એક દેશ, એક ચૂંટણી એમ કહેતા સમર્થન કર્યું હતું કે તેનાથી સમય અને પૈસાની બચત થશે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, CPM અને BSP સહિત 15 પાર્ટીએ કોઇ જવાબ આપ્યો નથી.
જો સરકાર આ ભલામણો લાગુ કરે તો કયા રાજ્યમાં શું પરિસ્થિતિ સર્જાશે
5 વર્ષનો કાર્યકાળ: 2024માં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં લોકસભાની સાથે સાથે જ વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. એવામાં અહીં 2029માં જ કાર્યકાળ સમાપ્ત થશે. હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં છ મહિના અગાઉ વિધાનસભા ભંગ કરવી પડશે.
ચાર વર્ષનો કાર્યકાળ: ઝારખંડ, બિહાર અને દિલ્હી
ત્રણ વર્ષનો કાર્યકાળ: વર્ષ 2026માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ, પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણી થશે. પણ વન નેશન વન ઈલેક્શનના કારણે અહીં 2029માં ફરી ચૂંટણી કરાવવી પડશે. આમ આ રાજ્યોની વિધાનસભા ત્રણ વર્ષમાં ભંગ કરવી પડશે.
બે વર્ષનો કાર્યકાળ: ગુજરાત, યુપી, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં 2027માં વિધાનસભા ચૂંટણી થશે અને બે વર્ષમાં વિધાનસભા ભંગ કરી દેવાશે.
એક વર્ષનો કાર્યકાળ: હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટક, તેલંગાણા, મિઝોરમ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 2028ના ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવવાની છે. એવામાં એવું પણ બની શકે કે આ રાજ્યોમાં 2028ની ચૂંટણી સ્થગિત કરી સીધી 2029માં ભેગી ચૂંટણી જ થાય.
મોદી કેબિનેટે મંજૂરી આપી
દેશમાં છેલ્લા ઘણા સમયથી વન નેશન- વન ઇલેક્શનને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ આ પ્રસ્તાવના વિવિધ પાસાં પર અભ્યાસ કર્યો હતો અને માર્ચ 2024માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, પ્રથમ પગલા તરીકે, લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ પ્રક્રિયાથી સમગ્ર દેશમાં એકસાથે તમામ સ્તરે ચૂંટણી યોજવામાં આવશે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ યોજાય છે.
‘જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાગુ નહીં થવા દઈએ’, PAK સંરક્ષણ પ્રધાનને PM મોદીએ ફટકાર લગાવી