Weather Update : દેશના અનેક વિસ્તારોમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહત કરતી આગાહી કરી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ ઉપરાંત વિદર્ભમાં અલગ-અલગ સ્થળોએ 27 અને 30 મે માટે હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું છે કે, આ વિસ્તારોમાં 28 અને 29મી મે સુધીમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 28 મે પછી ગરમીનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટવા લાગશે.
રાજસ્થાનના ફલોદીમાં મહત્તમ તાપમાન 49.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. રવિવારે તે દેશનું સૌથી ગરમ સ્થળ હતું. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની ઉપર પહોંચી ગયો હતો. રાજસ્થાનમાં વધતા તાપમાનના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આવી જ સ્થિતિ મધ્યપ્રદેશમાં પણ જોવા મળી હતી. મોરેનામાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જ્યારે ભોપાલ સહિત રાજ્યના 11 શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આ વિસ્તારોમાં 28 અને 29મી મે સુધીમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
દેહરાદૂનમાં તાપમાન 40ને પાર
આ તરફ પહાડો પણ ગરમીથી ત્રસ્ત છે. દહેરાદૂનમાં રવિવારે પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. ગરમ પવનો, તીવ્ર સૂર્યપ્રકાશ અને ત્યાં ભેજને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. આવા 200 થી વધુ દર્દીઓ દરરોજ સ્થાનિક હોસ્પિટલોના ઇમરજન્સી રૂમમાં પહોંચી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દહેરાદૂન, હરિદ્વાર, રૂરકી, ઉધમ સિંહ નગર સહિત રાજ્યના મેદાની વિસ્તારોમાં આગામી બે દિવસમાં ગરમીથી કોઈ રાહત નથી.
આ સાથે રવિવારે પૂર્વી યુપીમાં મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. રવિવારે ઝાંસી રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં તાપમાનનો પારો 48 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ સિવાય આગરા અને મથુરા વૃંદાવનમાં દિવસનું તાપમાન અનુક્રમે 47-47, બાગપત, ગૌતમ બુદ્ધ નગર, કાનપુર અને કન્નૌજમાં 46-46 અને પ્રયાગરાજ અને સુલતાનપુરમાં 44-44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બે દિવસ બાદ રાજ્યમાં પૂર્વ દિશાના પવનો ફૂંકાશે, ત્યારબાદ દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થશે. જો કે આ પહેલા સોમવાર અને મંગળવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં રેડ હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે