મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી છે. હિંસક ટોળાએ પોલીસ અધિક્ષકની ઓફિસ પર પથ્થરો અને પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો, જેના કારણે એસપી મનોજ પ્રભાકર ઘાયલ થયા અને કેટલાક વાહનોને પણ નુકસાન થયું. સુરક્ષા દળોએ ટોળા સામે જવાબી કાર્યવાહી કરી અને ટોળાને વિખેરવા માટે પૂરતા બળનો ઉપયોગ કર્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
એક અધિકારીએ જણાવ્યું કે, વિરોધીઓ COTU ના બેનર હેઠળ કાંગપોકપી જિલ્લાના સાયબોલ ગામમાં તૈનાત કેન્દ્રીય સુરક્ષા દળોને પાછા ખેંચવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારબાદ હિંસક ટોળાએ પોલીસ અધિક્ષક કાંગપોકપીની ઓફિસ પર પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કાંગપોકપી જિલ્લાના એસપી મનોજ પ્રભાકરને કપાળ પર ઈજા થઈ હતી. તેમજ એસપી ઓફિસર પરિસરમાં પાર્ક કરાયેલા અનેક વાહનોને નુકસાન થયું છે.
સ્થિતિ નિયંત્રણમાં છે
અધિકારીએ કહ્યું કે હોસ્પિટલમાં એસપીની સારવાર ચાલી રહી છે. હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે મોટી સંખ્યામાં સંયુક્ત સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે
તેમણે કહ્યું કે સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચેની અથડામણ દરમિયાન પોલીસકર્મીઓ અને દેખાવકારો સહિત અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા છે. આ ઘટનામાં ઘાયલ અન્ય ઘણા લોકોને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અધિકારીના જણાવ્યા અનુસાર, કુકી સંગઠનો 31 ડિસેમ્બરે સાયબોલ ગામમાં સુરક્ષા દળો દ્વારા મહિલાઓ પર કથિત લાઠીચાર્જનો વિરોધ કરી રહ્યાં છે. અને ગામમાં કેન્દ્રીય દળો, ખાસ કરીને બીએસએફ અને સીઆરપીએફની સતત તૈનાતી સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે બપોરથી જ મોટી સંખ્યામાં વિરોધીઓ એસપી ઓફિસની સામે એકઠા થયા હતા.
COUTએ બંધનું એલાન આપ્યું હતું
ગયા અઠવાડિયે, જૂથો વચ્ચે ગોળીબાર બાદ સુરક્ષા દળોએ ગામ અને તેના પેરિફેરલ વિસ્તારોમાં ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં એક પોલીસકર્મી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. ઓપરેશન પછી, કાંગપોકપી જિલ્લામાં સ્થિત આદિજાતિ એકતાની સમિતિ (COTU) એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 (ઇમ્ફાલથી દીમાપુર) ના મહત્વપૂર્ણ પરિવહન માર્ગ પર અનિશ્ચિત સમય માટે નાકાબંધી કરી દીધી હતી. કોટુએ શુક્રવારે પણ જિલ્લામાં 24 કલાકના બંધનું એલાન આપ્યું હતું.
મે 2023 થી મણિપુરમાં મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે જાતિય હિંસામાં 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.