મહારાષ્ટ્રના નાંદેડમાં શિવસેના (UBT) નેતાના અપહરણની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે FIR નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે નાંદેડ શિવસેના યુબીટી નેતા ગૌરવ કોટગીરેનું શુક્રવારે રાત્રે કેટલાક માસ્ક પહેરેલા લોકોએ અપહરણ કર્યું હતું. જોકે થોડા કલાકો બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. આ ઘટના નાંદેડના બાફના વિસ્તારમાં બની હતી.
પોલીસે આ માહિતી આપી હતી
પોલીસે જણાવ્યું કે, ‘જ્યારે ગૌરવ કોટગીરે તેના ગેરેજમાં કામ કરી રહ્યો હતો, ત્યારે તેને બળજબરીથી SUVમાં બેસાડીને અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. તેને થોડા કલાકો બાદ છોડી દેવામાં આવ્યો, ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે જણાવ્યું હતું કે શિવસેના યુબીટી નેતાએ દાવો કર્યો હતો કે આરોપીઓએ તેમના ચહેરા ઢાંક્યા હતા અને તેમને હથિયારોથી ધમકાવ્યા હતા. આરોપીઓએ કથિત રૂપે તેને રાજકારણ અને મિલકતના સોદામાં વધુ પડતું ન આવવા અને અન્ય નેતાઓ વિશે ખરાબ ન બોલવાનું પણ કહ્યું હતું.
નાંદેડના ઇટવારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને શોધી કાઢવા અને ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે.