મહારાષ્ટ્રના જાલનામાં શનિવારે એક બાંધકામ સ્થળ પાસે એક મોટો અકસ્માત થયો. કામદારો માટે બનાવેલા કામચલાઉ શેડ પર ટ્રકમાંથી રેતી પડતાં એક સગીર સહિત પાંચ કામદારો કચડાઈ ગયા હતા. પોલીસે આ માહિતી આપી. આ સંદર્ભમાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના જાફરાબાદ તાલુકાના પાસોડી-ચાંડોલમાં પુલ પ્રોજેક્ટ સાઇટ પર વહેલી સવારે બની હતી. તેમણે જણાવ્યું હતું કે મજૂરો બાંધકામ સ્થળ પર એક કામચલાઉ શેડમાં સૂતા હતા ત્યારે ડ્રાઈવર રેતી ભરેલી ટીપર ટ્રક લઈને ત્યાં પહોંચ્યો. તેણે અજાણતાં બધી રેતી શેડ પર ઢોળી દીધી, જેના કારણે મજૂરો તેની નીચે દટાઈ ગયા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રેતીના વજનને કારણે શેડ તૂટી પડ્યો હતો, જેના પગલે ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે કાટમાળમાંથી એક છોકરી અને એક મહિલાને બચાવી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને ડ્રાઇવરને શોધવાના પ્રયાસો ચાલુ છે. મૃતકોની ઓળખ સિલ્લોડ તાલુકાના ગોલેગાંવના રહેવાસી ગણેશ ધનવાઈ (60) અને તેમના પુત્ર ભૂષણ ધનવાઈ (16) અને જાફરાબાદ તાલુકાના પદ્માવતીના રહેવાસી સુનિલ સપકલ (20) તરીકે થઈ છે. તેમણે કહ્યું કે અન્ય બે પીડિતોની ઓળખ હજુ સુધી થઈ નથી.
જાલનામાં બસે બે લોકોને કચડી નાખ્યા, મોત
બીજી તરફ, શુક્રવારે જાલના જિલ્લાના અંબાડમાં MSRTC બસ સાથે થયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસના ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને અંબાડ સ્ટેન્ડ પર ઉભેલા મુસાફરોને કચડી નાખ્યા. “મુરલીધર કાલે (60) અને ખલીલુલ્લાહ શેખ (70) ના અકસ્માતમાં મૃત્યુ થયા છે જ્યારે ત્રણ ઘાયલોને ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે,” અધિકારીએ જણાવ્યું. આ અકસ્માત યાંત્રિક ખામીને કારણે થયો હતો કે માનવીય ભૂલને કારણે તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.