મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના નામ પરના શંકાના વાદળો દૂર થઈ ગયા છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. બુધવારે ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠક પહેલા કોર કમિટીની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામ પર સર્વસંમતિ સધાઈ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી કેન્દ્રીય નિરીક્ષક તરીકે ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા. ફડણવીસ 5 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ ફડણવીસે તમામ ધારાસભ્યો અને પાર્ટી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ફડણવીસે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જનાદેશ આપવા બદલ રાજ્યની જનતાનો પણ આભાર માન્યો હતો.
ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના CM તરીકે શપથ લેશે
મહારાષ્ટ્ર ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે મહાયુતિ ગઠબંધનના નેતાઓ બુધવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ પદની જવાબદારી સંભાળશે. સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ શપથ લેશે. એવી ચર્ચા છે કે NCP નેતા અજિત પવાર અને શિવસેના નેતા એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ શકે છે.
ચૂંટણીના પરિણામો બાદથી જ મુખ્યમંત્રીના નામ પર શંકા હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ એક અઠવાડિયા પછી પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. સૌથી મોટી પાર્ટી હોવાના કારણે એવી ચર્ચા હતી કે ભાજપ સીએમ બનશે, પરંતુ આ અંગે ગઠબંધનમાં કેટલાક મતભેદો હતા. જો કે કાર્યકારી સીએમ એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું કે તેઓ ભાજપ નેતૃત્વના નિર્ણયને સ્વીકારશે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના લોકો તેમને મુખ્યમંત્રી તરીકે ઈચ્છે છે. દિલ્હીમાં અમિત શાહને મળ્યા બાદ જે રીતે એકનાથ શિંદે અચાનક તેમના ગામ સતારામાં ગયા તે પછી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. જો કે, હવે શંકાના વાદળો દૂર થઈ ગયા છે અને ફડણવીસને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેમના માટે સીએમ બનવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.