મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. સૂત્રોનું માનીએ તો નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. તેમના નામની આજે જાહેરાત કરવામાં આવશે. પહેલાની જેમ નવી સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. શિવસેના શિંદે જૂથ અને NCP અજીત જૂથમાંથી એક-એક ડેપ્યુટી સીએમ હશે.
ચર્ચા છે કે એકનાથ શિંદે આ વખતે ડેપ્યુટી સીએમ નહીં બને. તેઓ ડેપ્યુટી સીએમ માટે પોતાના પુત્ર શ્રીકાંત શિંદેનું નામ આગળ કરી શકે છે. વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર સુધી જ છે. જો કે નવા સીએમના શપથની તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ રાજીનામું આપ્યા પછી પણ એકનાદ શિંદે નવી સરકારની રચના સુધી સીએમ રહેશે.
શિંદે કાર્યકારી મુખ્યમંત્રી રહેશે
શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું કે મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલે તેમને કાર્યકારી સીએમ તરીકે કામ કરવા કહ્યું છે. ટૂંક સમયમાં નવી સરકાર બનશે. ભાજપના ધારાસભ્ય દળની બેઠક બાદ ત્રણેય પક્ષોના નેતાઓ બેસીને મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લેશે. સમાચાર છે કે સરકારનો એજન્ડા નક્કી કરવા માટે ત્રણેય પક્ષોની એક સમિતિ બનાવવામાં આવશે, જેમાંથી એકનાથ શિંદેને વડા બનાવવામાં આવી શકે છે. આ સિવાય તેમને કેન્દ્રીય મંત્રી બનાવવાની પણ ચર્ચા છે. જો કે સીએમ પદ અંગેનો નિર્ણય મહાયુતિની ધારાસભ્ય દળની બેઠકમાં લેવાનો છે.