મની લોન્ડરિંગ કેસમાં ED મહાદેવ એપની તપાસ
રવિને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે
છત્તીસગઢમાં મહાદેવ એપ એક મોટો મુદ્દો રહ્યો છે. ભાજપે તેની ચાર્જશીટ અને ચૂંટણી ઢંઢેરામાં પણ આનો સમાવેશ કર્યો હતો. તેમજ પાર્ટીએ સરકાર બનશે તો કડક કાર્યવાહી કરવાની જાહેરાત પણ કરી હતી. મની લોન્ડરિંગ કેસમાં ED મહાદેવ એપની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત છત્તીસગઢ પોલીસ અને મુંબઈ પોલીસ પણ આ તપાસમાં સામેલ છે. ઑક્ટોબરમાં રાયપુરમાં સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટ સમક્ષ EDએ ઉપ્પલ અને તેના ભાગીદાર સૌરભ ચંદ્રાકર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારે આ અંગે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ધરપકડ કરવામાં આવી છે. રવિ ભારતમાં પણ વોન્ટેડ છે. ભારતીય એજન્સીઓ UAE સત્તાવાળાઓના સંપર્કમાં છે. રવિને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના આદેશ પર, ઇન્ટરપોલ પહેલાથી જ રવિ ઉપ્પલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ પછી ટૂંક સમયમાં સૌરભ ચંદ્રાકરની પણ ધરપકડ થઈ શકે છે. પોલીસને તેના લોકેશન વિશે માહિતી મળી છે. 2 મહિના પહેલા મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં EDએ મુંબઈ, કોલકાતા અને ભોપાલમાં લગભગ 39 સ્થળોએ દરોડા પાડીને 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. રવિ ઉપ્પલ પાર્ટનર સૌરભ ચંદ્રાકર સાથે યુએઈમાં રહેતો હતો.
કેન્દ્ર સરકારે એક મહિના પહેલા મહાદેવ સટ્ટાબાજી એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટને બ્લોક કરી દીધી હતી.2017માં રવિ અનેઉ સૌરભે મળીને ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા પૈસા કમાવવા માટે એક વેબસાઈટ બનાવી હતી. જોકે, શરૂઆતમાં આ વેબસાઈટના યુઝર્સ ઓછા હતા અને તેમાંથી ઘણી ઓછી કમાણી થઈ હતી. સૌરભ 2019માં નોકરી માટે દુબઈ ગયો હતો. થોડા સમય બાદ સૌરભે તેના મિત્ર રવિ ઉત્પલને પણ દુબઈ બોલાવ્યો હતો. રવિ દુબઈ પહોંચે તે પહેલા સૌરભે સટ્ટાબાજીની વેબસાઈટ દ્વારા પૈસા કમાવવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી લીધો હતો. આ પછી બંનેએ મહાદેવ બુક ઓનલાઈન નામથી સટ્ટાબાજીની વેબસાઈટ અને એપ બનાવી. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા તેનો પ્રચાર શરૂ કર્યો. ઓનલાઈન બેટિંગ એપ દ્વારા સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે દેશમાં લગભગ 4 હજાર પેનલ ઓપરેટર્સનું નેટવર્ક બનાવ્યું હતું. આ રીતે બંને રોજની 200 કરોડ રૂપિયાની કમાણી કરતા હતા.