મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે બાંગ્લાદેશની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં સાધુ-સંતોની હાલત બહુ સારી નથી. ચિંતાનો વિષય છે કે ભારતમાં આ અત્યાચારો સામે કોઈ વિરોધ નથી થઈ રહ્યો. સોશિયલ મીડિયા પર પણ કોઈ ઝુંબેશ ચાલી રહી નથી. જ્યારથી મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં સત્તા પર આવ્યા છે. ત્યારથી દેશમાં સંપૂર્ણ અશાંતિ છે. અમે બાંગ્લાદેશમાં હિન્દુઓના સમર્થનમાં ઉભા છીએ. ભગવાન તેમની રક્ષા કરે.
અગાઉ, વિદેશ પ્રધાન એસ જયશંકરે લોકસભામાં કહ્યું હતું કે તાજેતરમાં બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન મંદિરો અને પૂજા મંડપ પર હુમલાના અહેવાલો આવ્યા હતા. હુમલા બાદ, બાંગ્લાદેશ સરકારે દુર્ગા પૂજાની શાંતિપૂર્ણ ઉજવણીને સુનિશ્ચિત કરવા માટે આર્મી અને બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશની તૈનાતી સહિત વિશેષ સુરક્ષા પ્રદાન કરવા સૂચનાઓ જારી કરી હતી. ઢાકામાં ભારતીય હાઈ કમિશન બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. લઘુમતીઓ સહિત બાંગ્લાદેશના તમામ નાગરિકોના જીવન અને સ્વતંત્રતાના રક્ષણ માટેની પ્રાથમિક જવાબદારી બાંગ્લાદેશ સરકારની છે.
હિંદુ આધ્યાત્મિક નેતા ચિન્મય દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ આ અઠવાડિયે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. આ પછી રાજધાની ઢાકા અને બંદર શહેર ચિત્તાગોંગ સહિત વિવિધ સ્થળોએ સમુદાયના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દાસ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ના સભ્ય હતા અને તાજેતરમાં તેમને હાંકી કાઢવામાં આવ્યા છે. પરંતુ શુક્રવારે ઈસ્કોને કહ્યું કે તે ચિન્મય કૃષ્ણ દાસના સમર્થનમાં છે.