દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 3,742 થઈ ગયા
ભારતમાં 24 ડિસેમ્બરે કોરોનાના નવા 656 કેસ નોંધાયા હતા. ત્યારે દેશમાં સક્રિય કેસ વધીને 3,742 થઈ ગયા છે. તેમજ કેરળમાં સૌથી વધુ 128 કેસ મળી આવ્યા છે, રાજ્યમાં સક્રિય કેસ 3000 પર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 50 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દર 5 નવા કેસમાંથી લગભગ એક કેસ કોરોનાના સબ વેરિએન્ટ JN.1નો હાલ મળી આવે છે. આ સ્થિતિમાં સવાલ એ થઈ રહ્યો છે કે શું મહારાષ્ટ્ર કોવિડના નવા પ્રકારનું સુપર સ્પ્રેડર બની રહ્યું છે? JN.1 વેરિએન્ટના વધતા જતા કેસોને જોતા મહારાષ્ટ્ર સરકાર એલર્ટ પર આવી ગઈ છે. સરકારે આરોગ્ય અધિકારીઓને સરકારી હોસ્પિટલોમાં વેન્ટિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને અન્ય આવશ્યક સાધનોની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે. બીજી તરફ WHOએ પણ કોરોના સંક્રમિત દેશોને સર્વેલન્સ વધારવાની સલાહ આપી છે.
અગાઉ 23 ડિસેમ્બરે ભારતમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા હતા. 21 મે પછી દેશમાં આ સૌથી વધુ કેસ છે. ભારતમાં વધી રહેલા કોરોના કેસ પાછળ JN.1 વેરિઅન્ટને મુખ્ય કારણ માનવામાં આવે છે. JN.1 વેરિઅન્ટનો પહેલો કેસ કેરળમાં જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારે રાજ્યોને વાયરસના પ્રકારો પર નજર રાખવા માટે જિનોમ સિક્વન્સિંગ માટે તમામ સેમ્પલ મોકલવાનો નિર્દેશ આપ્યો છે.