- ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ સભ્યોને બચાવ્યા
- તમામ ક્રૂ મેમ્બર્સ જહાજના એક સુરક્ષિત રૂમમાં છુપાઈ ગયા હતા
ઉત્તર અરબી સમુદ્રમા ભારતીય નૌકાદળે વેપારી જહાજને હાઇજેક કરવાના પ્રયાસ સામે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ શુક્રવારે 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા. અને બચાવાયેલા ભારતીયોનો પહેલો વીડિયો સામે આવ્યો છે. ભારતીય નૌસેનાએ આ ભારતીયોનો એક વીડિયો જાહેર કર્યો છે, આ વિડિયોમા દરેકના ચહેરા પર સ્મિત જોઈ શકાય છે.
જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ક્રૂ મેમ્બર ઉત્સાહી સભ્યોને ‘ભારત માતા કી જય’ કહેતા અને ભારતીય નૌકાદળનો આભાર માનતા જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે લગભગ પાંચથી છ સશસ્ત્ર ચાંચિયાઓએ લાઇબેરિયાના ધ્વજવાળા જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યા બાદ હાથ ધરવામાં આવેલા ઝડપી ઓપરેશનમાં માર્કોસ કમાન્ડોએ 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ સભ્યોને યુદ્ધ જહાજ INS ચેન્નાઈમાંથી જહાજમાં ચડ્યા બાદ બચાવી લેવાયા છે.
દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I, હેલિકોપ્ટર અને MQ9B પ્રિડેટર ડ્રોન તૈનાત કર્યા. એવું કહેવાય રહ્યુ છે કે ગુરુવારે સાંજે હથિયારો સાથે અજાણ્યા લોકો તેમાં સવાર થયા હતા. ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈએ બપોરે 3:15 વાગ્યે કાર્ગો જહાજને અટકાવ્યું હતું અને માર્કોસ કમાન્ડોએ તેના પર ઓપરેશન હાથ ધર્યું હતું. આને ગઈકાલે સાંજના સમયે ચાંચિયાઓ કાર્ગો જહાજમાં ચઢ્યા ત્યારથી તમામ ક્રૂ મેમ્બર્સ જહાજના એક સુરક્ષિત રૂમમાં છુપાઈ ગયા હતા.