Assam: આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે 27 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં પૂર, ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 85 પર પહોંચી ગઈ છે, જેમાં સોમવારે છ લોકોના મોતનો પણ સમાવેશ થાય છે. હાલમાં આસામમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ તેમ છતાં 18.80 લાખ લોકો પૂરના પાણીમાં રહેવા મજબૂર છે. બ્રહ્મપુત્રા જેવી કેટલીક મુખ્ય નદીઓ અલગ-અલગ સ્થળોએ ભયના સ્તરથી ઉપર વહી રહી છે.
આસામની વર્તમાન સ્થિતિ વિશે વાત કરતાં એક અધિકારીએ જણાવ્યું કે, રવિવારે પૂરથી પ્રભાવિત 22.75 લાખ લોકોની સરખામણીએ 27 જિલ્લાઓમાં 18.80 લાખ લોકો પ્રભાવિત થયા છે. ધુબરી પૂરને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીં 4.75 લાખ લોકો પૂરના પાણીમાં રહેવા મજબૂર છે. આ સિવાય કચરમાં 2.01 લાખ અને બારપેટામાં 1.36 લાખ લોકો પ્રભાવિત થયા છે.
વહીવટીતંત્ર દ્વારા રાહત શિબિરોનું આયોજન
વહીવટીતંત્રે પૂર પીડિતો માટે 25 જિલ્લામાં 543 રાહત શિબિરોનું આયોજન કર્યું હતું. આ શિબિરોમાં 3,45,500 લોકો રહે છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને SDRF સહિત અનેક એજન્સીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુવાહાટીમાં પ્રાદેશિક હવામાન કેન્દ્રે કહ્યું કે આસામ અને આસપાસના રાજ્યોમાં ચક્રવાતનો ખતરો છે.