તમિલનાડુના હોસુરમાં ટાટા ઈલેક્ટ્રોનિક્સના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સેલફોન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ સમગ્ર સંકુલને ખાલી કરાવવામાં આવ્યું છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
મળતી માહિતી મુજબ આગના કારણે કંપનીની પ્રોપર્ટીને ઘણું નુકસાન થયું છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના સવારે 5.30 વાગ્યે બની હતી. પ્રથમ આગ મોબાઈલ ફોન એસેસરીઝ પેઈન્ટીંગ યુનિટમાં લાગી હતી. આ એકમ નાગમંગલમ નજીક ઉદનપલ્લી ખાતે છે. આગ લાગ્યા બાદ આસપાસના વિસ્તારમાં ગાઢ કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. ધુમાડો એટલો હતો કે આસપાસના લોકો પણ ડરી ગયા હતા. આ પછી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગ લાગી તે સમયે કોમ્પ્લેક્સમાં લગભગ 1500 લોકો હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડના પ્રવક્તાએ પણ આગની ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આગ પછી, કટોકટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી. કંપની કર્મચારીઓના હિતમાં તમામ પગલાં લેશે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણ કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ઘટના સ્થળે 100થી વધુ પોલીસકર્મીઓ પણ હાજર છે. મળતી માહિતી મુજબ, આગ પર હજુ સુધી સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો નથી.