- AAP નેતાઓ પર ED દ્વારા કેસ નોંધવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો
- નેતા કેજરીવાલની ધરપકડની સંભાવના
- ૩ જાન્યુ.એ સીએમ અરવિંદ કેજરીવાલ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્રણ સમન્સ જારી કરી દીધા છે.ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની ધરપકડની સંભાવના વ્યક્ત કરાઇ છે. જોકે સમાચાર સામે આવ્યા છે કે, આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના 3 દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 6, 7 અને 8 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે જવાના છે. કેજરીવાલ ગુજરાતમાં કાર્યકર્તા સંમેલન અને જાહેર સભાને સંબોધન પણ કરનાર છે.
ત્યારે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને પણ મળશે. વનકર્મીઓને ધમકાવવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે. અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના પરિવારજનોને પણ મળી શકે છે.
ગુજરાત પ્રવાસ દરમિયાન ED દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક સમન્સ પણ મોકલી શકે છે.
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને મંત્રી આતિશીએ ગુરુવારે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની સંભાવનાને લઈને નિવેદન જારી કર્યું છે. સૌરભ ભારદ્વાજે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે.
મંત્રી આતિશીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, સમાચાર આવી રહ્યા છે કે ED CM અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી શકે છે. 3 જાન્યુઆરીએ પણ સીએમ અરવિંદ કેજરીવાલ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. તેમણે નોટિસને ગેરકાયદે ગણાવતો લેખિત જવાબ મોકલ્યો હતો.