ભારતીય અધિકારીઓ આ ઘટનાની પુષ્ટિ કરી નથી
હિંદ મહાસાગરમાં વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન એટેકની ઘટના બની છે. અને આ હુમલા બાદ ભીષણ આગમાં જહાજ સપડાયું હતું.
આમ એક ખતરનાક ઘટનામાં ભારતીય જહાજ પર હિંદ મહાસાગરમાં ડ્રોન એટેક કરવામાં આવ્યો છે. જેનાથી જહાજમાં વિસ્ફોટ થવા સાથે આગ લાગી છે. આ હુમલો વેરાવળથી દક્ષિણ-પશ્ચિમ ભાગમાં થયો છે. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં સુરક્ષાની ચિંતામાં પણ વધારો થયો છે.
વેપારી જહાજ પર અજાણ્યા એરિયલ વાહન દ્વારા હુમલો કરવામાં આવ્યો. ત્યારે આ અકસ્માતની પરિસ્થિતિ અંગે હજુ કંઈ સ્પષ્ટતા નથી, પરંતુ વિસ્ફોટના સમાચારથી નજીકના જહાજોમાં ગભરાટ પણ ફેલાયો છે. UKMTO એ અન્ય જહાજોને આ વિસ્તારમાંથી સાવધાની સાથે પસાર થવાની ચેતવણી જારી કરી છે.
જયારે ભારતીય અધિકારીઓ હજુ સુધી આ ઘટનાની પુષ્ટિ કે ઇનકાર કરી શક્યા નથી. જો કે, સોશિયલ મીડિયા પર વિસ્ફોટના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી રહી છે.
હુમલા પાછળનું કારણ અને હુમલાખોર હજુ પણ અજાણ છે. અધિકારીઓએ તપાસ શરૂ કરીને સાચી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષાની ચિંતાઓને ઉજાગર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં ચાંચિયાગીરીની અનેક ઘટનાઓ પણ બની ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય તટીય સુરક્ષા દળોએ તાજેતરમાં કેટલીક પાકિસ્તાની બોટને અટકાવવામાં સફળતા મેળવી છે જે શંકાસ્પદ ગતિવિધિઓમાં વ્યસ્ત હતી.
આ ઘટના માત્ર ભારતીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે પણ ગંભીર અસરો કરી શકે છે.