પ્રાણીઓના કરડવાના દરેક 4 માંથી 3 કેસમાં કૂતરાઓ સામેલ હોય છે. ‘ધ લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલ’ માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે 5,700 લોકો રેબીઝને કારણે મૃત્યુ પામે છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા માર્ચ, 2022 થી ઓગસ્ટ, 2023 દરમિયાન દેશભરના 15 રાજ્યોના 60 જિલ્લાઓમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, 78,800 થી વધુ પરિવારોના 3,37,808 લોકોને પ્રાણીઓના કરડવાથી, હડકવા વિરોધી રસી અને પ્રાણીઓના કરડવાથી થતા મૃત્યુ વિશે પૂછવામાં આવ્યું હતું.
ICMRના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી, ચેન્નાઈ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે પ્રાણીઓના કરડવાના દરેક 4 માંથી 3 બનાવો માટે કૂતરા જવાબદાર છે. સર્વેક્ષણમાં સામેલ 2,000 થી વધુ લોકોએ અગાઉ પ્રાણીઓના કરડવાની ફરિયાદ કરી હતી, જેમાંથી 76.8% લોકોને કૂતરાઓ કરડ્યા હતા. સર્વે મુજબ, દર 1,000 માંથી 6 લોકોને પ્રાણી કરડ્યું છે, જેનો અર્થ એ થયો કે રાષ્ટ્રીય સ્તરે 91 લાખ લોકોને પ્રાણીઓ કરડ્યા છે.