આસામ સરકારે રાજ્યભરની સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટના ધોરણે કામ કરતા લગભગ 40 હજાર શિક્ષકોને નિયમિત કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના શિક્ષણ પ્રધાન રનોજ પેગુએ જણાવ્યું હતું કે, ‘રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં 25,000 થી વધુ TET લાયકાત ધરાવતા શિક્ષકો છે જેઓ કરારના ધોરણે કામ કરી રહ્યા છે, ઉપરાંત 9,500 કરાર આધારિત શિક્ષકો પણ પ્રાથમિક શાળાઓમાં કામ કરી રહ્યા છે.’
તેમણે કહ્યું, ‘9 અને 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે 4,500 શિક્ષકો વર્ગ લે છે. અમે તે તમામને નિયમિત કરવાનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લગભગ 40 હજાર શિક્ષકોની નોકરીઓને નિયમિત કરવાની રાજ્ય સરકારની યોજનાની જાહેરાત કરી હતી.
પેગુએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આવતા વર્ષે માર્ચનું લક્ષ્ય નક્કી કર્યું છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે કરાર આધારિત શિક્ષકોનો અગાઉનો સેવા સમયગાળો ગણવામાં આવશે નહીં.
સાથે જ શિક્ષણ મંત્રીનું કહેવું છે કે, ‘જે લોકો રેગ્યુલર પોસ્ટ્સ પર ચાર્જ લેશે, તેમને નવી નિમણૂક મળી હોવાનું માનવામાં આવશે.’