આવતીકાલે રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચા થશે, ચર્ચાનો સમય સવારે 11 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જેપી નડ્ડા ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ તરફથી ભૂપેન્દ્ર યાદવ, નિર્મલા સીતારમણ, હરદીપ પુરી, સુરેન્દ્ર નાગર, ઘનશ્યામ તિવારી, બ્રિજલાલ, સુધાંશુ ત્રિવેદી ચર્ચામાં ભાગ લેશે.
બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા
લોકસભામાં આ વિશેષ ચર્ચાનું આયોજન ભારતના બંધારણને અપનાવવાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ તેને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી અને કહ્યું હતું કે આ ઉપલબ્ધિ સામાન્ય નથી પરંતુ અસાધારણ છે.
લોકસભામાં ચર્ચા થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઈમરજન્સીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘દેશ જ્યારે બંધારણના 25 વર્ષ પૂરા કરી રહ્યો હતો ત્યારે બંધારણ છીનવાઈ ગયું હતું. દેશને જેલમાં ફેરવવામાં આવ્યો, અને નાગરિકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા. કોંગ્રેસના કપાળ પરનું આ એવું પાપ છે, જે ક્યારેય ધોવાશે નહીં. વડાપ્રધાન મોદીએ તમામ સાંસદોનો તેમના યોગદાન માટે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ‘બંધારણના 75 વર્ષ પૂરા થવું એ આપણા માટે માત્ર ગર્વની ક્ષણ નથી, પરંતુ તે આપણી લોકશાહીની તાકાતનું પ્રતીક પણ છે.’
આ પહેલા કલમ 370 પર બોલતા પીએમ મોદીએ કહ્યું હતું કે આપણે વિવિધતાની ઉજવણી કરીએ છીએ પરંતુ ગુલામીની માનસિકતામાં ઉછરેલા લોકો વિવિધતામાં વિરોધાભાસ શોધી રહ્યા છે. આવા લોકો વિવિધતામાં ઝેરી બીજ વાવવાની કોશિશ કરતા રહ્યા જે એકતાને નુકસાન પહોંચાડે. આર્ટિકલ 370 દેશની એકતામાં અવરોધ હતો, તેથી અમે કલમ 370ને દફનાવી દીધી.
મોદી તેમની પૂજા કરે છે જેને કોઈ પૂછતું નથી: પીએમ
PM મોદીએ શનિવારે લોકસભામાં કહ્યું કે, ગરીબોના નામે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ 2014માં દેશના 50 કરોડ નાગરિકો એવા હતા જેમણે બેંકનું મોઢું જોયું નથી. 50 કરોડ ગરીબોના બેંક ખાતા ખોલાવીને અમે ગરીબો માટે બેંકોના દરવાજા ખોલ્યા. ગરીબી હટાવો એટલે સૂત્ર બની ગયું. ગરીબોને આ મુશ્કેલીમાંથી મુક્ત કરવાનું અમારું મિશન છે. મોદી તેમની પૂજા કરે છે જેમના વિશે કોઈ પૂછતું નથી.