ભારતીય હવામાન વિભાગ (IMD) એ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. આ ચક્રવાતી તોફાનું નામ Michaung છે. IMDએ ગુરુવારે જાહેર કરેલી આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. IMD અનુસાર 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. પરંતુ તેની અસર ઓડિશા સુધી પહોંચી શકે છે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિની આજે બેઠક થઈ, જેમાં બંગાળની ખાડીમાંથી આવતા વાવાઝોડા મિચૌંગને (Cyclone Michaung) લઈને રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો/ વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગના મહાનિદેશકે સમિતિને ચક્રવાત માઈચોંગની હાલની સ્થિતિ વિશે જાણકારી આપી છે.
વાવાઝોડાની સ્થિતિ ચેન્નાઈથી 630 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, નેલ્લોરથી 740 કિમી દક્ષિણ-પૂર્વમાં, બાપતલાથી 810 કિમી દક્ષિણ-પૂર્વમાં અને માછલીપટ્ટનમથી 800 કિમી દક્ષિણ-પૂર્વમાં છે. 3 ડિસેમ્બર સુધીમાં ચક્રવાત દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં રહેશે. આગાહીઓ દર્શાવે છે કે ચક્રવાતી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને 4 ડિસેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને નજીકના ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે તકરાશે. ત્યારે ચક્રવાતી તોફાનની મહત્તમ ઝડપ 80-90 કિલોમીટર પ્રતિ કલાક અને પવનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે. તમિલનાડૂ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના મુખ્ય સચિવો અને પુડુચેરીના નાણા સચિવે સમિતિને ચક્રવાતના અપેક્ષિત માર્ગમાં જનતા અને સંપત્તિની સુરક્ષા માટે કરવામાં આવેલા પ્રારંભિક ઉપાયો અને સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવેલા ઉપાયોની માહિતગાર કર્યા હતા.
માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પુરતા આશ્રય સ્થળ, વીજળી સપ્લાઈ, દવા અને ઈમરજન્સી સેવાઓની તૈયારી થઈ રહી છે. એનડીઆરએફે તમિલનાડૂ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પુડુચેરીને 18 ટીમો આપી છે અને 10 વધારાની ટીમો તૈયાર રાખી છે. તટરક્ષક બળ, સેના અને નૌસેનાની બચાવ અને રાહત ટીમો સાથે જહાજો અને વિમાનને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.