ચંદ્રયાન-3(chandrayaan 3)નું પ્રોપલ્શન મોડ્યુલ તેનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે. ભારતની માત્ર નવા મિશન લોન્ચ કરવાની જ નહીં પરંતુ તેમને પાછા લાવાની ક્ષમતામાં આ એક મોટી છલાંગ છે. વિક્રમ લેન્ડર (Vikram Lander )ને ચંદ્ર પર એક સપાટીથી બીજી સપાટી પર લઈ જવાના પ્રયોગ પછી ઈસરોની આ વધુ એક સિદ્ધિ છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO ) એ કહ્યું કે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું છે. અવકાશયાન 14 જુલાઈ 2023 ના રોજ SDSC, SHAR ના LVM3-M4 વાહન પર લોન્ચ કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટે વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું.
ISRO દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એજન્સીનું મુખ્ય ધ્યેય પહેલા લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરીને ચંદ્રની અંતિમ ભ્રમણકક્ષામાં મુકવાનું હતું. વિભાજન પછી, પ્રોપલ્શન મોડ્યુલનું સ્પેક્ટ્રો-પોલરીમેટ્રી હેબિટેબલ પ્લેનેટ અર્થ (SHAPE) પેલોડ સક્રિય થયું હતું. યોજના અનુસાર, અગાઉ આ પેલોડને પ્રોપલ્શન મોડ્યુલમાં ત્રણ મહિના સુધી સક્રિય રાખવાની યોજના હતી.
હાલમાં પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની આસપાસ ફરે છે. તેણે 22 નવેમ્બરના રોજ 1.54 લાખ કિલોમીટરના અંતરે પ્રથમ પેરીજી પાર કર્યું. ઈસરોએ કહ્યું કે આ ભ્રમણકક્ષામાં રહેવાનો સમયગાળો 13 દિવસનો છે.
આનાથી શું ફાયદો થશે?
ઈસરોએ કહ્યું કે ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પ્રોપલ્શન મોડ્યુલને પાછા લાવવાના પ્રયોગનો મુખ્ય ફાયદો આગામી મિશનની યોજના કરતી વખતે થશે. ખાસ કરીને ચંદ્ર પરથી પૃથ્વી પર મિશનને પાછું લાવવામાં. હાલમાં, મોડ્યુલ માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે પ્રારંભિક તબક્કામાં છે.