નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પડેલા કમોસમી વરસાદે હજારો ખેડૂતોને રોવડાવ્યા છે, ત્યારે ડિસેમ્બર મહિનો પણ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. ગુજરાતના ખેડૂતોના શિયાળું પાક પર ફરી મોટું સંક્ટ છવાયું છે. ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક એવી આગાહી કરવામાં આવી છે કે ખેડૂતો ચિંતામાં મુકાઈ જશે. એટલે કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવું વર્ષ ખેડૂતો અને તેના પાક માટે નવી મુસીબત લઈને આવી શકે છે.
અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 5 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. છઠ્ઠી જાન્યુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા જોવામાં આવી રહી છે. ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડી વધશે.
ઠંડી સાથે સાથે માવઠાની આફત
અંબાલાલ પટેલે ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં સક્રિય થતાં ઉત્તરીય પર્વતોમાં માવઠું થશે. રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. તો હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યાં માવઠું થવાની શક્યતા છે તે જિલ્લામાં ઠંડીનો અનુભવ થશે. 25 ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે.
આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે
અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે. ડિસેમ્બર મહિનામાં 22 થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પુરેપુરી શક્યતા દર્શાવી છે, અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે. સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે.