Arvind Kejriwal : દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જામીન પર પોતાનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સુધીર કુમાર જૈનની સિંગલ બેન્ચે કેજરીવાલને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ પહેલા 20 જૂને હાઈકોર્ટે નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા અરવિંદ કેજરીવાલના જામીનના આદેશ પર રોક લગાવી દીધી હતી. એજન્સીએ નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યા બાદ હાઈકોર્ટે 21 જૂને આદેશ અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે મુખ્ય કેસની સુનાવણી જુલાઈ માટે નક્કી કરી છે, જેમાં ઈડીએ આ કેસમાં અરવિંદ કેજરીવાલને નિયમિત જામીન આપવાના નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો.
સુનાવણી દરમિયાન EDએ કોર્ટને કહ્યું કે નીચલી કોર્ટના જજે પોતાના નિર્ણયમાં લખ્યું છે કે તેમની પાસે તમામ દસ્તાવેજો જોવાનો સમય નથી. સાથે જ અભિષેક મનુ સિંઘવીએ જામીન રદ્દ ન કરવાની અપીલ કરી હતી. હવે કેજરાવલ જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.
સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો
વાસ્તવમાં, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. બીજા જ દિવસે ED દિલ્હી હાઈકોર્ટ પહોંચી. તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. જો કે, સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે જામીન આપ્યા હતા, ત્યારબાદ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું.