જો કોઈની સાથે સાયબર ફ્રોડ થાય છે તો તે બેંકનો સહારો લે છે, પરંતુ એક બેંક કર્મચારીએ કંપની સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટક પોલીસે એક્સિસ બેંકના રિલેશનશિપ મેનેજર અને અન્ય ત્રણની નાણાકીય છેતરપિંડી અને સાયબર છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી છે. એવો આરોપ છે કે રિલેશનશિપ મેનેજરે બેંગલુરુ સ્થિત કંપની ડ્રીમપ્લગ પીટેક સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડના 12 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.
આરોપીઓમાં રિલેશનશિપ મેનેજર વૈભવ પીઠડિયા (29 વર્ષ), બેન્કિંગ એજન્ટ નેહા બેન વિપલભાઈ, વીમા એજન્ટ અને વૈભવના ભાગીદાર શૈલેષનો સમાવેશ થાય છે. આ સિવાય એક કમિશન એજન્ટ શુભમ પણ તેમાં સામેલ છે. ડ્રીમપ્લગના એક્ઝિક્યુટિવ નરસિંહ વસંત શાસ્ત્રીની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
12 નવેમ્બરના રોજ, જ્યારે ડ્રીમપ્લગના અધિકારીઓએ જોયું કે કંપનીના ખાતામાંથી કેટલાક શંકાસ્પદ વ્યવહારો થઈ રહ્યા છે, ત્યારે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. એક્સિસ બેંકના બે ખાતામાંથી 12.2 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ વ્યવહાર 29 ઓક્ટોબરથી 11 નવેમ્બરની વચ્ચે થયો હતો. આરોપીઓએ ડ્રીમપ્લગના એકાઉન્ટમાં કેટલાક ફેરફાર કરીને એક્સેસ મેળવ્યું હતું. આરોપીઓએ બનાવટી સહી કરીને કંપનીના બોર્ડનો ઠરાવ પણ તૈયાર કર્યો હતો જેમાં ઈમેલ આઈડી અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બદલવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી તેને એક્સિસ બેંક દ્વારા પણ મંજૂરી મળી ગઈ.
આ પછી આરોપીઓએ OTP દ્વારા 37 ટ્રાન્ઝેક્શન કર્યા. ડ્રીમપ્લગે જણાવ્યું હતું કે અંકલેશ્વર અને અબ્રામા બેંક શાખામાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. એક્સિસ બેંકના રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે કે 2021માં આ ખાતાઓને ચાર યુઝર આઈડી આપવામાં આવ્યા હતા. આમાંથી માત્ર બે જ સક્રિય છે. એવું કહેવામાં આવ્યું હતું કે આરોપીએ 15 કરોડ રૂપિયાની લેવડદેવડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બે યુઝર આઈડી નિષ્ક્રિય હોવાને કારણે માત્ર 12 કરોડ રૂપિયાનું જ ટ્રાન્ઝેક્શન થઈ શક્યું.
દેશભરના અનેક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે એક્સિસ બેંકમાં ક્યાં ક્યાં ખામીઓ હતી અને આરોપીઓએ વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂરી કરી લીધી છે. આ ઉપરાંત છેતરપિંડી કરાયેલા નાણા પરત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.