અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પહેલા રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આટલું જ નહીં ધમકી આપનારાએ રામ મંદિરની સાથે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના પ્રમુખને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની માહિતી મળી છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. ISI સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈ-મેલ દ્વારા આપી છે. આ ઇ-મેલમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના વડા અમિતાભ યશને બોમ્બથી મારવાની પણ ધમકી આપવામાં આવી છે.
આ ઇ-મેલ ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવ્યો હતો. આ મામલે લખનઊના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
આ ઘટનાને લઇને યુપી-112ના ઇંસ્પેક્ટરની ફરિયાદના આધારે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસની સાથે એટીએસ આ કેસની તપાસ કરી રહી છે અને ઇ-મેલ મોકલનારાને ટ્રેસ કરવામાં આવી રહ્યોં છે.
આ ધમકી આપતા મેલમાં લખવામાં આવ્યું છે કે, “દેવેન્દ્ર તિવારી ઘણો મોટો ગૌ સેવક બને છે, આ કેટલીક વખત બચી ગયો છે. અમારા લોકો યુપી પહોંચી ગયા છે હવે ના રામ મંદિર અને ના તો દેવેન્દ્ર તિવારી કે ના તો યોગી રહેશે, તેમણે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જે લોકો ઉજવણીની તૈયારી કરી રહ્યાં છે, અમે લોકો તેને માતમમાં બદલી નાખીશું.”