- અગાઉ પણ હત્યાની ધમકીને પગલે ગેહલોત સરકાર સામે સુરક્ષાની કરી હતી માગ
- કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ અને વસુંધરા રાજે સિંધિયાએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો
- લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા રોહિત ગોદારાએ હત્યાની લીધી જવાબદારી
રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મંગળવારે ધોળા દિવસે સ્કુટી પર આવેલા બે શખ્સોએ ગોગામેડી પર ફાયરિંગકર્યુ હતુ. ગોળી મારી બંને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગ બાદ આજુબાજુના લોકો એક્ઠા થઈ ગયા હતા. ગોગામેડી પર ફાયરિંગ થયા બાદ તુરંત તેમને મેટ્રો માસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યુ કે સુખદેવસિંહ ગોગામેડી મંગળવારે બપોરના 1.45 કલાકે શ્યામ નગર જનપથ ખાતે બહાર ઉભા હતા. એ દરમિયાન સ્કૂટર પર આવેલા બે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કર્યુ હતુ. સૂચના મળતા જ શ્યામનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી
જ્યારે ગોગામેડીના સમર્થકોના જણાવ્યા અનુસાર જે કોઈપણ આરોપીઓ છે તે કોઈ ગેંગના સભ્યો હોવાનુ પ્રતિત થાય છે અને તેમણે પુરી રેકી કરીને ઘટનાને અંજામ આપ્યો છે. છેલ્લા બે દિવસથી ગોગામેડીના બોડીગાર્ડ રજા પર હતા તેવી તેમને જાણ હોવી જોઈએ. આથી તેમણે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહે આ હત્યાકાંડ પર ટ્વીટ કરી પરિજનોને સંવેદના પાઠવી છે. તેમણે જણાવ્યુ કે આ ઘટનાથી હું સ્તબ્ધ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. વધુમાં તેમણે સમાજના લોકોને પણ શાંતિ જાળવી રાખવા અને સૌહાર્દ જાળવી રાખવા અપીલ કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વસુંધરા રાજે સિંધિયાએ ટ્વીટ કરી સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
ગોગામેડીના સમર્થકોના જણાવ્યા મુજબ તેમને અગાઉ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હત્યાની ધમકી મળી હતી અને તેંમણે ગેહલોત સરકાર સામે સુરક્ષાની માગ કરી હતી પરંતુ તેમને સુરક્ષા આપવામાં આવી ન હતી. તેમણે પોલીસ કમિશનર, ડીજીપી સહિતનાને મળ્યા હતા અને સુરક્ષાની માગ કરી હતી પરંતુ તેમની માગને ધ્યાને ન લેવાતા આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે.
ગેંગસ્ટર રોહિત ગોદારાએ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે. રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે.