દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે ભાજપ પર આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ દિલ્હીના મતદારોના નામ યાદીમાંથી હટાવી રહી છે. તે દિલ્હીના લોકો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપની યોજના એક વિધાનસભા ક્ષેત્રમાંથી લગભગ 6 ટકા વોટ ઘટાડવાની છે. ભાજપ દિલ્હીની મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. મત કપાત માટેની અરજીઓ ચૂંટણી પંચને મોકલવામાં આવી રહી છે અને દરેક અરજી ભાજપના લેટર હેડ પર છે. જેના પર ભાજપના અધિકારીઓની પણ સહીઓ છે. ભાજપ કોઈપણ ભોગે મતદાર યાદીમાંથી લોકોના નામ કાઢી નાખવા માંગે છે, પરંતુ આમ આદમી પાર્ટી ભાજપને તેની યોજનાઓમાં સફળ થવા દેશે નહીં.
શાહદરા વિધાનસભામાંથી 11 હજારના નામ હટાવ્યા
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીને માહિતી મળી છે. ભાજપે શાહદરા વિધાનસભા ક્ષેત્રમાંથી મતદાર યાદીમાંથી 11018 લોકોના નામ કાઢી નાખ્યા છે. આ માટે ભાજપના લેટર હેડ પર અધિકારીની સહી સાથે અરજી મોકલવામાં આવી હતી. આ અરજીમાં મતદાર યાદીમાંથી આટલા લોકોના નામ હટાવવાનું કારણ આપવામાં આવ્યું હતું કે આટલા લોકો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા તો દિલ્હીથી બીજે ક્યાંક શિફ્ટ થઈ ગયા છે.
આટલા લોકોનું વેરિફિકેશન કરવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીએ આમાંથી 500 લોકોનું રેન્ડમ વેરિફિકેશન કર્યું ત્યારે તેમાંથી 372 એવા મળી આવ્યા જેઓ હજુ પણ દિલ્હીના રહેવાસી છે અને ભવિષ્યમાં પણ દિલ્હીમાં રહેવાના છે. શાહદરામાં 1 લાખ 86 હજાર મતદારો છે. 11000 લોકો એટલે 6 ટકા વોટ, જેને ભાજપ કાપવા માંગે છે. AAPએ શાહદરાથી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 5294 મત મેળવીને જીત મેળવી હતી.