- અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે નવી નીતિ જારી
અમેરિકાએ વિશેષ શ્રેણીના વિઝા ધારકો માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારો F અને M શ્રેણીના વિઝા ધારકો માટે કરવામાં આવ્યા છે. જે અંતર્ગત યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઈએસ) એ અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે નવી નીતિ જારી કરી છે. આ નવી અપડેટ કરેલી નીતિમાં વિદ્યાર્થીઓના સ્ટેટસમાં ફેરફાર, યુ.એસ.માં તેમના રોકાણના વિસ્તરણ અને F અને M શ્રેણીઓમાં વિદ્યાર્થીઓ માટે સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેની અરજીઓને આવરી લેવાઈ છે.
ઉદાહરણ તરીકે, આ નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે F અને M વિઝા ધરાવતા વિદ્યાર્થીઓનો તેમનો મૂળ દેશ છોડવાનો કોઈ ઈરાદો ન હોવો જોઈએ. પરંતુ આવા વિદ્યાર્થીઓને પરમેનન્ટ લેબર સર્ટિફિકેટ અથવા ઇમિગ્રન્ટ વિઝાનો લાભ મળી શકે છે.
આ ઉપરાંત, તેમજ આ માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે F વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં તેમની ડિગ્રીના આધારે વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં વિસ્તરણ માટે અરજી કરી શકે. ત્યારે મહત્વનું છે કે, અમેરિકામાં અભ્યાસ કરતા લગભગ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓમાંથી 25 ટકાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં M વિઝા વ્યાવસાયિક અભ્યાસ માટે આપવામાં આવે છે જ્યારે F વિઝા સામાન્ય અભ્યાસ માટે આપવામાં આવે છે. અમેરિકાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસના અભ્યાસક્રમના આધારે અરજદારોને F અથવા M વિઝા આપવામાં આવે છે. બંને પ્રકારના વિઝા હેઠળ, વ્યક્તિને 60 મહિના સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી આપી શકાય છે.