National News: જિલ્લામાં કુલ- 09 વિધાનસભા મત વિસ્તારમાં 2558 મતદાન મથકો ઉપર મતદાન થશેઃ કુલ મતદારોની સંખ્યા 2551601 જે પૈકી પુરૂષ મતદારો- 1317835 અને સ્ત્રી મતદારો- 1233746 છે
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 16 માર્ચ 2024 ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. જેને પગલે જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને ચૂંટણી અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ, વ્યવસ્થાઓ અને આદર્શ આચાર સંહિતાની અમલવારી અંગેની તમામ જાણકારી મિડીયાને આપવા માટે કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે માહિતી આપતાં કહ્યું કે, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી યોજવા સજ્જ છે.
ચૂંટણી કામગીરી માટે કુલ-10,494 જેટલાં અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલી છે. ચૂંટણી સંબધી માહિતી માટે હેલ્પ લાઇન નંબર 1950 શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અને પોર્ટલ પરથી પણ મતદારો ચૂંટણી વિષયક માહિતી મેળવી શકે છે. વોટર હેલ્પલાઇન એપ્લીકેશન પણ શરૂ કરવામાં આવી છે.
આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગે ફરીયાદ સંબંધી ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૨૦૨૪ છે. જેના પર ચૂંટણી આચારસંહિતા ભંગને લગતી કોઇપણ પ્રકારની ફરીયાદ નોંધાવી શકાશે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે જેનો નંબર-૦૨૭૪૨-૨૬૫૧૬૫ છે. જે ૨૪*૭ કાર્યરત રહેશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, જિલ્લાની દરેક ૯ વિધાનસભામાં આદર્શ મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાશે. એવી જ રીતે દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક પણ ઉભા કરવામાં આવશે. જેમાં મતદાન સ્ટાફ દિવ્યાંગ કર્મચારીઓ રહેશે. દરેક વિધાનસભા મતદાર વિભાગમાં ૭ જેટલાં મહિલાઓ સંચાલિત એમ મળી કુલ-૬૩ સખી મતદાન મથકો બનાવાશે. તેમજ યુવા કર્મચારીઓ સંચાલિત ૧ યુવા મતદાન મથક ઉભું કરવામાં આવશે.
ચૂંટણી રેલી, સભા, સરઘસ વગેરેને લગતી વિવિધ બાબતોની મંજુરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે. વિવિધ ચૂંટણી કામગીરી માટે ૨૪ જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણી જાહેર થયા પછી શંકાસ્પદ વસ્તુઓની હેરફેર અટકાવવા માટે SST (સ્ટેટીક સર્વેલન્સ ટીમ) અને FST (ફ્લાઇંગ સ્ક્વોર્ડ) ની રચના કરવામાં આવી છે. ચૂંટણી સભાઓ દરમિયાન વિડીયો રેકોર્ડીંગ માટે VST ( વિડીયો સર્વેલન્સ ટીમ) અને ૯ વિધાનસભા વિસ્તારમાં ૯ જેટલી VVT ( વિડીયો વ્યુંઇગ ટીમ) ની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ સંબંધી શેડો રજીસ્ટર નિભાવવા અને પેઇડ ન્યુઝ અંગે MCMC કમિટી સહિતની માહિતી આપવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ. કે. ગઢવી, નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપભાઈ પરમાર સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર ચૂંટણી કાર્યક્રમ
૧. ચૂંટણીની જાહેરાતની તારીખ .૧૬-૦૩-૨૦૨૪
૨. જાહેરનામુ બહાર પાડવાની તારીખ-૧૨-૦૪-૨૦૨૪
૩. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ – ૧૯-૦૪-૨૦૨૪
૪. ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ- ૨૦-૦૪-૨૦૨૪
૫. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ – ૨૨-૦૪-૨૦૨૪
૬. મતદાનની તારીખ – ૦૭-૦૫-૨૦૨૪
૭. મત ગણતરીની તારીખ -૦૪-૦૬-૨૦૨૪
૮. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ -૦૬-૦૬-૨૦૨૪