22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામ લલા બિરાજમાન થવા જઈ રહ્યાં છે. આખો દેશ ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાન રામના મંદિર માટે ફાળો આપવા માટે ઉત્સુકતા જોવા મળી છે. આ પ્રયાસને આગળ ધપાવતા અખિલ ભારતીય ડગબર સમાજ દ્વારા મુખ્ય મંદિર માટે 700 કિલો પાવર સ્ટીયરિંગ રથ સાથે ખાસ 450 કિલોના નગારા બનાવાયા છે જેને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યામાં રામ મંદિરમાં પહોંચાડવામાં આવશે.
સમાજના દિપક ડબગરે કહ્યું કે “અમે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય સમક્ષ રામ મંદિર માટે 4 નગારા બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે અમને કહ્યું કે, અમને લાઈટથી ચાલતાં નગારા નથી જોઈતા પછી અમે લાઈટ વગરના નગારા બનાવવાનું શરુ કર્યું હતું. આ નગારા અંગે ડબગર સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, અયોધ્યા મંદિરમાં પ્રવેશ કરતાની સાથે સિંહદ્રાર પર આ નગારું મુકવામાં આવશે. જે તૈયાર કરવા માટે 15 લાખનો ખર્ચ થયો છે. અખિલ ભારતીય ડબગર સમાજે રાજ્યભરના વિવિધ જગ્યાએ દાન એકત્રિત કરીને નગારું તૈયાર કર્યુ છે.
આ નગારાની વિશેષતા એ છે કે લોખંડની 6 mmની પ્લેટમાંથી બનાવવામાં આવ્યું છે તેની સાઇઝ 56 ઇંચની છે અને તેનું વજન 450 કિલો છે. આ નગારાને એટલું મજબૂત બનાવવામાં આવ્યું છે કે, તેના ઉપર ગમે તેટલી વાર ચામડું બદલાય તો પણ તેના આકારને કોઈ નુકસાન ના થાય તથા હજારો વર્ષો સુધી આ નગારું શ્રી રામજીના ચરણોમાં ગુંજ્યા કરે, તેમજ આ નગારાની શોભા માટે ગુજરાતના વિખ્યાત મંદિરો અંબાજી અને બહુચરાજીમાં જે વિશેષ કારીગરો દ્વારા કલાકૃતિ કરવામાં આવે છે તેવા કારીગરો પાસે નકશીકામ કરાવવામાં આવ્યું છે. તથા તેના પર સોના અને ચાંદીનો ગીલેટ કરવામાં આવ્યો છે.
આ નગારૂ અયોધ્યામાં શ્રી રામજીના મંદિરમાં સ્થાપિત થાય અને ત્યારે ત્યાં કોઈ પણ ભક્ત નગારા પાસે ફોટો પડાવે તો તેને આ સોના અને ચાંદી ના નગારાની આગળ અદભુત આનંદનો અનુભવ થશે. તેમજ આ નગારાના સુંદર દેખાવ માટે તેના ઉપર વિશેષ ચિત્રકારો દ્વારા ચિત્ર કરાવવામાં આવ્યું છે. અને નગારાના હલનચલન માટે તેની સાથે જ એક રથ બનાવવામાં આવ્યો છે. જેનું વજન 750 કિલો છે અને તેના ઉપર શ્રીરામના પરિવારની છબી પ્રસ્થાપિત કરેલી છે. ડબગર સમાજની એવી આશા છે કે, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નગારા પર એક ડંકો વગાડીને સમગ્ર વિશ્વમાં શ્રીરામની જય જય કાર કરે.