- EDની ચાર્જશીટમાં પહેલીવાર પ્રિયંકા ગાંધી વાડ્રાના નામનો ઉલ્લેખ
જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એક મોટી માહિતી આવી છે. ત્યારે જમીન કૌભાંડ કેસમાં પહેલીવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં સામે આવ્યું છે. આ મામલે સૂત્રોએ દાવો કર્યો છે કે EDની ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રા સાથે પ્રિયંકા ગાંધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે તેમને આરોપી બનાવવામાં આવ્યા નથી.સૂત્રોનું માનીએ તો EDની ચાર્જશીટમાં પહેલીવાર પ્રિયંકા ગાંધી વાડ્રાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીસી થમ્પી અને સુમિત ચઢ્ઢા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે રોબર્ટ વાડ્રા અને થમ્પી સિવાય પ્રિયંકા ગાંધીએ પણ ફરીદાબાદમાં જમીન ખરીદી હતી. સંજય ભંડારીના નજીકના થમ્પી અને વાડ્રા વચ્ચેના નાણાકીય જોડાણની તપાસ દરમિયાન આ વાત સામે આવી છે. જોકે, EDની આ ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના નામ આરોપી તરીકે નથી.
ફરીદાબાદમાં જમીન ખરીદી સાથે જોડાયેલો મામલો છે. 2005-2006 ની વચ્ચે, રોબર્ટ વાડ્રાએ પ્રોપર્ટી ડીલર એચએલ પાહવા (થમ્પીની નજીક) મારફતે ફરીદાબાદના અમીપુર ગામમાં લગભગ 40.8 એકર જમીન ખરીદી હતી, જે ડિસેમ્બર 2010માં પાહવાને પાછી વેચી દેવામાં આવી. એ જ રીતે, એપ્રિલ 2006માં આ જ અમીપુર ગામમાં પ્રિયંકા ગાંધી વાડ્રાના નામે એક ઘર ખરીદવામાં આવ્યું હતું, જે ફેબ્રુઆરી 2010માં પાહવાને વેચવામાં આવ્યું. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર, પાહવા થમ્પીની ખૂબ નજીક છે, પાહવાએ જ અમીપુર ગામમાં થમ્પીની જમીન ખરીદી હતી.
આ મામલામાં ઈડીએ પહેલીવાર વાડ્રાનું નામ લીધું છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેણે આ કેસમાં યુએઈ સ્થિત એનઆરઆઈ બિઝનેસમેન સી સી યા ચેરુવાથુર ચકુટ્ટી થમ્પી અને યુકે સ્થિત સુમિત ચઢ્ઢા વિરુદ્ધ નવી ચાર્જશીટ દાખલ કરી છે.