વિદેશી નાગરિક (ઓસીઆઈ)નું કાર્ડ ધરાવતાં ભારતીય મુળના લોકોને હવે પોતાના દેશ આવવા માટે જૂનો પાસપોર્ટ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. ભારતીય દૂતાવાસે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જારી કરાયેલી સુચનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ઓસીઆઈ કાર્ડ સાથે જૂનો પાસપોર્ટ રાખવાની અનિવાર્યતાને સમાપ્ત કરી દેવામાં આવી છે.
આ જાહેરાતથી વિદેશમાં રહેતાં ભારતીયોની એક મોટી ચિંતા દૂર થઈ જવા પામી છષ. દૂતાવાસ દ્વારા કહેવાયું છે કે હવેથી જૂની પાસપોર્ટ સંખ્યાવાળા હાલના ઓસીઆઈ કાર્ડના સહારે યાત્રા કરનારા વ્યક્તિને જૂનો પાસપોર્ટ સાથે રાખવાની જરૂરિયાત રહેતી નથી. જો કે નવો પાસપોર્ટ સાથે રાખવો ફરજિયાત છે.
ભારત સરકારે 20 વર્ષથી ઓછા અને 50 વર્ષથી વધુની ઉંમરના કાર્ડધારકો માટે ઓસીઆઈ કાર્ડ બીજી વખત જારી કરવાની સમયસીમાને વધારીને 31 ડિસેમ્બર-2021 કરવાનો પણ નિર્ણય લીધો છે. વર્ષ 2005થી લાગુ ઓસીઆઈના દિશા-નિર્દેશો અનુસાર 20 વર્ષથી ઓછા અને 50 વર્ષથી વધુની વયના કાર્ડધારકોને દર વખતે નવો પાસપોર્ટ બનાવવા પર પોતાનું કાર્ડ બીજી વખત જારી કરાવવું પડતું હોય છે. ભારત સરકારે કોરોના મહામારીને કારણે તેની સમયસીમા અનેક વખત વધારી છે પરંતુ ઓસીઆઈ કાર્ડધારકો માટે યાત્રા દરમિયાન જૂના પાસપોર્ટને સાથે રાખવાની અનિવાર્યતામાં છૂટ પહેલી વખત આપવામાં આવી છે.