ભારતમાં હાલ કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દેશમાં પહેલીવાર 2 લાખ કરતાં વધુ કેસો નોંધાયા છે.
દરેક રાજ્યમાં હાલત કફોડી બની રહી છે. ક્યાંક ઓક્સિજનની કમી જોવા મળી રહી છે તો ક્યાંક હોસ્પિટલમાં બેડ ની સંખ્યા ઓછી પડી રહી છે.
પરિણામે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘણા લોકો ઓક્સિજન સમયસર ન મળતા અથવા પૂરતો ઓક્સિજન ના મળતા મૃત્યુ પામે છે અથવા તો ગંભીર હાલતમાં પહોંચી જાય છે.
પરંતુ જો ઓક્સિજન હોવા છતાં દર્દી પાસેથી તેને હટાવી દેવામાં આવે તો ?
આવી જ ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી છે કે જ્યાં ઓક્સિજન વગર એક દર્દીનું મૃત્યુ થયું હતું.
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની હોસ્પિટલમાં એક દર્દીની ઓક્સિજનની ઉણપ ના લીધે મૃત્યુ થયું હતું. હોસ્પિટલ પ્રશાસને પોતાના બચાવ કરતાં જણાવ્યું કે દર્દીની હાલત પહેલેથી જ ગંભીર હતી અને તે બાદ હાલત વધુ કથળતા દર્દીનું મૃત્યુ થયું હતું.
પરંતુ જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે હકીકત કઈક બીજી જ જણાઈ રહી હતી.
દર્દી સુરેન્દ્રભાઈ પોતાના પુત્ર સાથે વાત કરીને સુઈ જાય છે ત્યારબાદ એક વોર્ડ બોય તેના બેડ પાસેથી ઓક્સિજન કોન્સેન્ટ્રેટર હટાવી દે છે.
જેના લીધે સવારે 5 વાગે ઓક્સિજનના અભાવે સુરેન્દ્રભાઈ તરફડીયા મારવા માંડે છે અને ત્યારબાદ તેમનું મૃત્યુ થાય છે.
તેમના પુત્ર નું કહેવું છે, કે સવારમાં જ્યારે મારા પિતા પાસે પહોંચ્યો ત્યારે ત્યાં ઓક્સીજન ન હતું. અને મારા પિતા તરફડીયા મારી રહ્યા હતા જેના લીધે હું તેમને ઊંચકીને આઈસીયુમાં લઈ ગયો હતો અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.
પરંતુ તેના ડોક્ટરે હોસ્પિટલ નો બચાવ કરતા કહ્યું કે દર્દીનો હિમોગ્લોબીન 6 ગ્રામ હોવાથી ઓક્સિજનની જરૂર ન હતી. જેના લીધે નર્સના કહેવા પર વોર્ડ બોયે ઓક્સિજન હટાવી બીજા દર્દી ને આપ્યું હતું.
જોકે તપાસ કરવા માટે અલગ થી એક સમિતિની રચના કરવામાં આવી છે.