પહેલાં કેરળ અને ત્યારપછી મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસથી દેશમાં કોરોના મહામારીની બીજી લહેરને જે સંકેત મળ્યા હતા તેણે પંજાબ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને ગુજરાત સહિતના રાજ્યોમાંથી મળી આવેલા દર્દીની સંખ્યાએ સ્પષ્ટ કરી દીધા છે.
સ્થિતિ સ્પષ્ટપણે બતાવી રહી છે કે વૈશ્ર્વિક મહામારીની બીજી લહેર પહેલાંથી પણ વધુ સંક્રમક છે.
છ મહિના બાદ એક દિવસમાં અંદાજે 82 હજાર નવા કેસ મળ્યા છે અને ચાર મહિના બાદ 469 દર્દીના મોત પણ થયા છે.
કોરોનાના કેસ અને મૃત્યુમાં વધારો થવાને કારણે અનેક રાજ્યોમાં કડક પ્રતિબંધો અમલી બનાવી દેવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસને કારણે રાજ્યમાં ચાર જિલ્લામાં એક દિવસથી વધુનું લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે.
છિંદવાડામાં ત્રણ દિવસ અને બૈતુલ, ખરગોન તેમજ રતલામમાં બે દિવસનું લોકડાઉન આજે રાતથી જ લાગુ પડી જશે.
જ્યારે મધ્યપ્રદેશના 11 જિલ્લાઓના 12 શહેરોમાં આજે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.
ઈન્દોર, ભોપાલ, જબલપુર, છિંદવાડા, રતલામ, બૈતુલ અને ખરગોનમાં પહેલાંથી જ લોકડાઉન લાગુ છે.
ગ્વાલિયર, ઉજ્જૈન, વિદિશા, નરસિંહપુર અને છિંદવાડા જિલ્લાના સૌંસરમાં પણ લોકડાઉન લાગુ કરી દેવાયું છે.
જ્યારે છત્તીસગઢ સરકારે પણ પ્રતિબંધો જાહેર કર્યા છે જે અનુસાર દુર્ગ જિલ્લામાં 6થી 14 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરાયું છે.
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં કોરોનાનું સ્વરૂપ બિહામણું બની રહ્યું છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની રફ્તારે ફરીથી પરેશાની ઉભી કરી દીધી છે.
પાછલા દિવસોમાં દરરોજ એક હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા જ્યારે એપ્રિલના પહેલાં જ દિવસે દિલ્હીમાં 2790 કેસ અને બે એપ્રિલે જ્યારે મુખ્યમંત્રી કેજરીવાલે ઈમરજન્સી બેઠ બોલાવી હતી એ દરમિયાન 3583 નવા કેસ સામે આવ્યા હતા.
જો કે અહીં લોકડાઉન લાગુ કરવાનો કોઈ ઈરાદો જાહેર કરાયો નથી.
મહારાષ્ટ્રમાં પણ સંપૂર્ણ લોકડાઉન જાહેર ન કરીને કડક પ્રતિબંધો લાગુ કરાયા છે જે અનુસાર પૂના શહેરમાં બાર, રેસ્ટોરન્ટ અને હોટેલ સાત દિવસ માટે બંધ રહેશે અને પાર્સલ સેવા જ ચાલું રહેશે.
શહેરના તમામ ધાર્મિક સ્થળોને સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ અપાયો છે તો પૂનામાં ચાલનારી બસ સેવાને પણ સાત દિવસ સુધી બંધ કરી દેવામાં આવી છે.