કેજરીવાલ સરકારે શિક્ષણ સુધારવા કર્યા ધરખમ ફેરફાર
બજેટના ૨૫ ટકા ફક્ત શિક્ષણ પર કરવામાં આવે છે ખર્ચ
દિલ્હી બોર્ડ ઓફ એજ્યુકેશનની રચનાને આપી મંજૂરી
શિક્ષણનાં ક્ષેત્રમાં પણ આપણે બાળકોને ભણાવવાની એ જ ચીલાચાલુ, વર્ષો જૂની પદ્ધતિમાંથી બહાર નીકળીને આગળ વધવાની ખાસ જરૂર છે. આપણે પુસ્તકિયાં જ્ઞાનથી આગળ વધીને એવાં ક્રાંતિકારી પગલાં ભરવા પડશે, જેનાથી ભાવિ પેઢી ફક્ત સભ્ય નાગરિક જ ન બને પણ ખરા અર્થમાં દેશભક્ત પણ બને. આવનારા સમયમાં દરેક ક્ષેત્રમાં દેશની જવાબદારી પોતાના ખભે ઊંચકી શકે તેમાં મજબૂત યુવાઓની આપણને ખાસ જરૂર છે.
દિલ્હીની કેજરીવાલ સરકારે શિક્ષણનાં ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી દિલ્હી બોર્ડ ઓફ એજ્યુકેશનની રચનાને મંજૂરી આપી દીધી છે. હવે અન્ય રાજ્યની જેમ દિલ્હીનું પણ પોતાનું શિક્ષણ બોર્ડ હશે. વિવેચકો એવો સવાલ જરૂરથી પૂછી શકે છે કે, જ્યારે દિલ્હીમાં સીબીએસઈ અને આઈસીએસઈ પહેલેથી જ છે તો પછી દિલ્હીમાં અલગ બોર્ડની જરૂર શું હતી?
આપના કાર્યકાળમાં શિક્ષણનાં ક્ષેત્રમાં અનેક ક્રાંતિકારી પરિવર્તન આવ્યાં
કોઈ પણ સવાલ ઉઠાવતાં પહેલાં એ જાણી લો કે, દિલ્હીમાં ‘આપ’ સરકારના કાર્યકાળ દરમિયાન શિક્ષણનાં ક્ષેત્રમાં અનેક ક્રાંતિકારી પરિવર્તન આવ્યાં છે. નીતિ આયોગે પણ દિલ્હીની સરકારી શાળાઓની પ્રશંસા કરી છે. શિક્ષણ સંસ્થાનોમાં આવેલાં પરિવર્તનનાં કારણે અહીંની સ્કૂલોને નેશનલ અચિવમેન્ટ સર્વેમાં સૌથી વધુ પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે. નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-૨૦૨૦ અનુસાર અન્ય રાજ્યોનો એવરેજ (સરેરાશ) એનએસ સ્કોર ૩૫.૬૬ આવ્યો છે, જ્યારે ઉત્તરપ્રદેશને કેન્દ્ર સરકારના નીતિ આયોગે ‘ઝીરો નંબર’ આપ્યો છે.
‘આપ’ સરકારે સરકારી સ્કૂલોની વ્યવસ્થામાં મોટાપાયે બુનિયાદી ફેરફારો કર્યા છે, જેનાં વખાણ ખાલી દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ થઈ રહ્યા છે. દેશનાં ઘણાં રાજ્યો આજે દિલ્હી મોડલ અપનાવવા લાગ્યાં છે. કોરોનાકાળમાં દિલ્હી સરકારે સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા હતા. ૨૦ દેશોની ઈ-લર્નિંગનો ઉપયોગ બાળકોને શિક્ષિત કરવા પાછળ કરવામાં આવ્યો. લોકડાઉન દરમિયાન સરકારી સ્કૂલોનાં કેજીથી લઈને ૧૨મા ધોરણ સુધીના અંદાજે નવ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ઓનલાઈન, એસએમએસ અને આઈબીઆર લર્નિંગ સિસ્ટમનો લાભ લીધો હતો.
દિલ્હી સરકાર તેના બજેટના ૨૫ ટકા ફક્ત શિક્ષણ પર કરે છે ખર્ચ
દિલ્હી સરકાર તેના બજેટના ૨૫ ટકા ફક્ત શિક્ષણ પર જ ખર્ચ કરે છે. આથી જ આજે દિલ્હીની સરકારી સ્કૂલો આપણી પ્રાઈવેટ સ્કૂલોને પણ ટક્કર મારે આવી છે.આજે મોટાભાગના વાલીઓ ઈચ્છતા હોય છે કે તેમનાં બાળકોને આંતરરાષ્ટ્રીય બોર્ડમાં જ શિક્ષણ મળે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીશ સિસોદિયાએ બોર્ડની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી છે, જે ખૂબ રસપ્રદ છે. જે વિષય એનસીઈઆરટીમાં ભણાવવામાં આવશે તેમાં ફેરફાર નહીં થાય. બાળકોને પુસ્તકો ગોખવાના બદલે તેની સાચી સમજૂતી આપવામાં આવશે. સમગ્ર અભ્યાસક્રમમાં સુધારા કરવામાં આવશે. બાળકોમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે તેમે અભ્યાસક્રમ સાથે જોડી દેવામાં આવશે. શિક્ષણને રોજગારલક્ષી બનાવવામાં આવશે.
કોઈ નવી શરૂઆત થાય છે ત્યારે તેના પર ચર્ચા, દલીલો અને વિરોધ શરૂ થઈ જાય છે. તર્ક-વિતર્ક કરવા બહુ સહેલા છે, પણ નક્કર કામગીરી કરવી મુશ્કેલ હોય છે. કેટલાક લોકો સવાલ ઉઠાવે છે કે, વાલીઓ તેમના બાળકોને સીબીએસઈમાંથી દિલ્હી બોર્ડમાં શા માટે મૂકશે? તો આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે, દેશભરનાં તમામ રાજ્યોનાં પોતાનાં બોર્ડમાં ૯૫ ટકા બાળકો અભ્યાસ કરી રહ્યાં છે, જ્યારે સીબીએસઈ બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત પાંચ ટકા આસપાસ જ છે. દિલ્હીની ચૂંટણીઓમાં શિક્ષણ અને આરોગ્ય અગાઉ ક્યારેય મુદ્દા નહોતા બનતા, પરંતુ કેજરીવાલ સરકારના વિઝન બાદ હવે ચૂંટણીઓમાં તે મહત્ત્વપૂર્ણ મુદ્દા બનીને ઉભરે છે. દિલ્હીની સરકારે પોતાનું શિક્ષણ બોર્ડ બનાવવાની પ્રશંસનીય પહેલ કરી છે અને શિક્ષણ ક્ષેત્રે સુધારા કરવા તે ખૂબ જરૂરી પણ છે.