PM મોદીએ મન કી બાતના કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું તમને સાઈ પ્રનીથજીના પ્રયાસો વિશે જણાવવા માગું છું. સાઈ પ્રનીથજી એક સૉફ્ટવેર એન્જિનિયર છે. આંધ્ર પ્રદેશના નિવાસી છે. ગયા વર્ષે તેમણે જોયું કે તેમને ત્યાં ઋતુ બગડવાના કારણે ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. હવામાન વિજ્ઞાનમાં તેમનો રસ વર્ષોથી હતો. આથી તેમણે પોતાનો રસ અને પોતાની પ્રતિભાને ખેડૂતોની ભલાઈ માટે ઉપયોગી બનાવવાનો નિર્ણય કર્યો.
હવે તેઓ અલગ-અલગ ડેટા સૉર્સમાંથી વેધર ડેટા ખરીદે છે, તેનું વિશ્લેષણ કરે છે અને સ્થાનિક ભાષામાં અલગ-અલગ માધ્યમોથી ખેડૂતોને જરૂરી જાણકારી પહોંચાડે છે. વેધર અપડેટ ઉપરાંત, પ્રનીથજી અલગ આબોહવા સ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ, તેનું માર્ગદર્શન પણ આપે છે. ખાસ કરીને પૂરથી બચવા માટે કે પછી તોફાન કે વીજળી પડવા પર કેવી રીતે બચવું જોઈએ તેના વિશે પણ તેઓ લોકોને જણાવે છે.
https://www.youtube.com/c/isakmundaeatingSs/videos
તેમણે કહ્યું કે, એક તરફ, આ નવયુવાન સૉફ્ટવેર એન્જિનિયરનો આ પ્રયાસ પણ આપણા મનને સ્પર્શી જશે તો બીજી તરફ આપણા બીજા એક સાથી દ્વારા કરવામાં આવી રહેલ ટૅક્નૉલૉજીનો ઉપયોગ પણ તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ સાથી છે ઓડિશાના સંબલપુર જિલ્લાના એક ગામમાં રહેનારા ઈસાક મુંડા જી. ઈસાક પણ ક્યારેક એક દહાડિયા મજૂરના રૂપમાં કામ કરતા હતા, પરંતુ હવે તેઓ ઇન્ટરનેટ પર જાણીતી હસ્તિ બની ગયા છે. પોતાની યૂટ્યૂબ ચેનલ દ્વારા તેઓ ઘણા રૂપિયા કમાઈ રહ્યા છે. તેઓ પોતાના વિડિયોમાં સ્થાનિક વાનગીઓ, પારંપરિક ખાણીપીણીની ટેવોને મુખ્યત્વે દર્શાવે છે.
એક યૂટ્યૂબરના રૂપમાં તેમની યાત્રા માર્ચ 2020થી શરૂ થઈ હતી જ્યારે તેમણે ઓડિશાની જાણીતી સ્થાનિક વાનગી પખાલ સાથે જોડાયેલો એક વિડિયો પૉસ્ટ કર્યો હતો. ત્યારથી તેઓ સેંકડો વિડિયો પૉસ્ટ કરી ચૂક્યા છે. તેમનો આ પ્રયાસ અનેક કારણોથી બધાથી અલગ છે. ખાસ કરીને એટલા માટે કે તેનાથી શહેરોમાં રહેનારા લોકોને એ જીવનશૈલી જોવાનો અવસર મળે છે જેના વિશે તેઓ ખાસ કંઈ જાણતા નથી. ઈસાક મુંડા જી સંસ્કૃતિ અને રાંધણકળાને બરાબર મેળવીને ઉજવણી કરી રહ્યા છે અને આપણને બધાંને પ્રેરણા પણ આપી રહ્યા છે.
PMએ કહ્યું કે, જ્યારે આપણે ટૅક્નૉલૉજીની ચર્ચા કરી રહ્યા છીએ તો હું એક બીજા રસપ્રદ વિષયની ચર્ચા કરવા માગું છું. તમે તાજેતરમાં જ વાંચ્યું હશે, જોયું હશે કે આઈઆઈટી મદ્રાસના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત એક સ્ટાર્ટ અપએ એક થ્રીડી પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું છે. થ્રીડી પ્રિન્ટિંગ કરીને ઘરનું નિર્માણ. છેવટે તે થયું કેવી રીતે? હકીકતે, આ સ્ટાર્ટઅપે સૌથી પહેલાં થ્રીડી પ્રિન્ટરમાં એક, ત્રિપરિમાણીય ડિઝાઇનને નાખી અને પછી એક વિશેષ પ્રકારના કૉન્ક્રિટના માધ્યમથી થર પર થર એમ એક થ્રીડી માળખું બનાવી દીધું. તમને એ જાણીને આનંદ થસે કે દેશભરમાં આ પ્રકારના અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે નાનાં-નાનાં બાંધકામના કામમાં પણ વર્ષો લાગી જતાં હતાં.
પરંતુ આજે ટૅક્નૉલૉજીના કારણે ભારતમાં સ્થિતિ બદલાઈ રહી છે. કેટલાક સમય પહેલાં આપણે દુનિયાભરની એવી નવીન શોધો કરનારી કંપનીઓને આમંત્રિત કરવા માટે એક વૈશ્વિક ગૃહ નિર્માણ ટૅક્નૉલૉજી પડકાર શરૂ કર્યો હતો. દેશમાં આ રીતનો અલગ પ્રકારનો આ અનોખો પ્રયાસ છે. આથી આપણે તેને લાઇટ હાઉસ પ્રૉજેક્ટ નામ આપ્યું. અત્યારે દેશમાં છ અલગ-અલગ જગ્યાઓ પર લાઇટ હાઉસ પ્રૉજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ લાઇટ હાઉસ પ્રૉજેક્ટમાં મૉડર્ન ટૅક્નૉલૉજી અને ઇનૉવેટિવ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બાંધકામનો સમય ઓછો થઈ જાય છે. સાથે જ જે ઘર બને છે તે વધુ ટકાઉ, સસ્તાં અને આરામદાયક હોય છે. મેં તાજેતરમાં જ ડ્રૉન દ્વારા આ પ્રૉજેક્ટની સમીક્ષા કરી હતી અને કાર્યની પ્રગતિને જીવંત જોઈ હતી.
ઈન્દોરના પ્રૉજેક્ટમાં બ્રિક અને મૉર્ટાર વૉલની જગ્યાએ પ્રિ ફેબ્રિકેટેડ સેન્ડવિચ પેનલ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજકોટમાં લાઇટ હાઉસ, ફ્રેન્ચ ટૅક્નૉલૉજીથી બનાવાઈ રહ્યા છે જેમાં ટનલ દ્વારા મોનોલિથિક કૉન્ક્રિટ કન્સ્ટ્રક્શન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ટૅક્નૉલૉજીથી બનેલાં ઘર વિપત્તિઓનો સામનો કરવામાં ઘણા વધુ સક્ષમ હશે. ચેન્નાઇમાં અમેરિકા અને ફિનલેન્ડની ટૅક્નૉલૉજી, પ્રિ કાસ્ટ કૉન્ક્રિટ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી મકાન ઝડપથી પણ બનશે અને ખર્ચ પણ ઓછો આવશે. રાંચીમાં જર્મનીની થ્રીડી કન્સ્ટ્રક્શન સિસ્ટમનો પ્રયોગ કરીને ઘર બનાવાશે. તેમાં દરેક ઓરડાને અલગ રીતે બનાવવામાં આવશે. તેમાં પછી પૂરા ઢાંચાને તે જ રીતે જોડવામાં આવશે જે રીતે બ્લૉક ટૉય એટલે કે રમકડાંના ઘરને જોડવામાં આવે છે.
અગરતલામાં ન્યૂઝીલેન્ડની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સ્ટીલ ફ્રેમની સાથે મકાન બનાવવામાં આવી રહ્યા છે, જે મોટા ભૂંકપને પણ ખમી શકે છે. તો બીજી તરફ લખનઉમાં કેનેડાની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં પ્લાસ્ટર અને પેઇન્ટરની જરૂરિયાત નહીં પડે અને ઝડપથી ઘર બનાવવા માટે પહેલેથી જ તૈયાર દીવાલોનો પ્રયોગ કરવામાં આવશે. આજે દેશમાં એવો પ્રયાસ થઈ રહ્યો છે કે આ પ્રૉજેક્ટ ઇન્ક્યુબેશન સેન્ટર એટલે કે ઉદ્ભવન કેન્દ્રની જેમ કામ કરે. તેનાથી આપણા યોજના ઘડવૈયાઓ, આર્કિટૅક્ટો, એન્જિનિયરો અને વિદ્યાર્થીઓ નવી ટૅક્નૉલૉજીને જાણી શકશે અને તેનો પ્રયોગ પણ કરી શકશે. હું આ વાતોને ખાસ રીતે આપણા યુવાઓ માટે વહેંચી રહ્યો છું જેથી આપણા યુવાઓ રાષ્ટ્રહિતમાં ટૅક્નૉલૉજીનાં નવાં-નવાં ક્ષેત્રોની તરફ પ્રોત્સાહિત થઈ શકે.