Lok Sabha Election : હવે એક તરફ ચૂંટણી પંચ કાયદાઓના દાયરામાં રહીને મતદાનની ટકાવારી વધારવા તમામ સંભવિત પ્રયાસ કરે છે તો બીજી તરફ ચૂંટણી પંચ14 ગામોના મતદારોની બે વાર મતદાન કરવાની ‘ગેરકાનૂની પ્રથા’ રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર અને તેલંગાણાની સરહદ પર આવેલ આ 14 ગામોમાં લગભગ 4,000 મતદારો છે અને તેઓ બે રાજ્યમાં વોટ આપી શકે છે અને આવું દાયકાઓ જૂના સરહદ વિવાદને કારણે બન્યું છે.
આ ગામોનો પ્રાદેશિક વિવાદ 1956નો છે, જ્યારે આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી હતી. આ 14 ગામોમાં રહેતાં દરેક લોકો પાસે બે-બે વોટર આઈડી, રેશન કાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો છે જેના કારણે તેઓ બંને રાજ્યોની યોજનાઓનો લાભ લઈ શકે છે.
જો કે એક વ્યક્તિ બે રાજ્યમાં વોટ આપે આવું પોસિબલ નથી અને હાલ ત્યાંનાં લોકો બે વખત વોટ ન આપી શકે એ માટે વહીવટતંત્રએ એમની આંગળીની ઉપર નહીં પરંતુ આખી આંગળી પર સહી લગાવવાની યોજના બનાવી છે. તંત્રનું કહેવું છે કે માત્ર બે મત જ નહીં, બે જગ્યાના વોટર આઈડી કાર્ડ રાખવા પણ ગેરકાયદેસર છે.
આવું જ અજુગતું ગામ આપણાં ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ છે જ્યાં એક જ ગામના એક જ ફળિયામાં સાથે રહેતા લોકો અલગ અલગ રાજ્યમાં મતદાન કરે છે. આ ગામ છે કે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું ગોવાડા ગામ, જે અડધું ગુજરાતમાં છે અને અડધું મહારાષ્ટ્રમાં છે.