Loksabha Election 2024: જામનગર જિલ્લામાં આજે સવારે 7 વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ અને કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા વચ્ચે ટક્કર છે.જામનગર ખાતે ધારાસભ્ય રિવાબા જાડેજા એ લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું.
જામનગર લોકસભા બેઠક પર કુલ 18,17,864 મતદારો નોંધાયેલ છે જે પૈકી 9,31,715 પુરૂષ મતદારો અને 8,86,113 સ્ત્રી મતદારો તથા 36 થર્ડ જેન્ડર મતદારનો સમાવેશ થાય છે.
જામનગરમાં સવારથી જ મતદાન મથકો ખાતે જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા છે. મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી અને હક છે. ત્યારે સવારથી જ મહિલાઓ, યુવાઓ, સિનિયર સિટિઝન મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોચ્યા છે.
જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ
જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ 1881 મતદાન મથકો આવેલા છે. જેમાંથી જામનગર જિલ્લાના-5 વિધાનસભા મતદાર વિભાગમાં કુલ-1247 મતદાન મથકો છે. જે તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.