Lok Sabha Election : લોકશાહીનું પર્વ એટલે મતદાન. સરકારને ચૂંટવા માટેની લોકશાહીની ઉત્તમ વ્યવસ્થામાં મતદારોના મતની કિંમત અમૂલ્ય હોય છે. ત્યારે આજે લોકસભાની ચૂંટણી માટે યોજાઈ રહેલા મતદાનમાં દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દિવ્યાંગ મતદાતાઓએ કહ્યું કે, અમે ભલે ટેકે ચાલતાં હોઈએ પરંતુ અમે ચૂંટેલી સરકાર સતત દોડતી રહશે. તેના માટે જ અમે મતદાન કર્યું છે.
દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા
દિવ્યાંગો માટે મતદાન મથક પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગોની વ્હિલચેર છેક મતદાન બૂથ સુધી પહોંચી જાય તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ દિવ્યાંગોને અગ્રીમ સ્થાન પણ મતદાન માટે આપવામાં આવી રહ્યું છે. મતદાન બૂથ પર દિવ્યાંગોને માન સન્માન સાથે સુરક્ષાકર્મીઓ પણ મદદરૂપ બનતાં હોવાનું સામે આવી રહ્યું છે.
મજબૂત લોકશાહી માટે મતદાન
દેવાંગી ચાવડાએ કહ્યું કે, હું છેલ્લા ચારેક ચૂંટણીથી મતદાન કરુ છું. હું દેશ માટે મત આપી રહી છું. ત્યારે મારે એક જ સંદેશો લોકોને આપવો છે કે, આપણે જે પક્ષ કે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હોઈએ તેને આપણો અમૂલ્ય મત આપવો જોઈએ. કારણ કે આપણા મતનો અધિકાર આપણને બંધારણે આપ્યો છે. આપણે શરીરથી ભલે અશક્ત હોઈએ પરંતુ સરકાર તો સશક્ત ચૂંટવી આપણો અબાધિત અધિકાર છે.