Loksabha Election 2024: આજે (7 મે, 2024) ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. સુરત બેઠક
બિનહરીફ જાહેર થઈ હતી. લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓ પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આનંદીબેન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરશોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું હતું. તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, લલિત વસોયા અને ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજોએ પણ મતદાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં કર્યું મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને લોકોને સંબોધ્યા હતા. તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી કે તેઓ વધુમાં વધુ ઘરેથી નીકળીને બહોળું મતદાન કરે. મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહે ચાલતાં ચાલતાં રોડ શો પણ કર્યો હતો.
ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે કર્યું મતદાન
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું.
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કર્યું મતદાન
રાજકોટ બેઠકનાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું. રૂપાલાએ પરિવાર સાથે અમરેલીનાં ઈશ્વરીયા ગામે મતદાન કર્યું હતું. પરશોત્તમ રૂપાલા રાજ્યની હાઈપ્રોફાઈલ રાજકોટ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર છે.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું મતદાન
આજરોજ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદના શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.
બનાસકાંઠાનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન
બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. માતા-પિતાનાં આશીર્વાદ લઈને મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે ગેનીબેન ભાવુક થયા હતા. ગેનીબેને બહોળા પ્રમાણમાં મતદાન માટે અપીલ કરી હતી.
પરેશ ધાનાણીએ પરિવાર સાથે કર્યું મતદાન
રાજકોટથી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. અમરેલીનાં બહારપરાની શાળામાં પરિવાર સાથે મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાતાઓ સાથે લાઈનમાં ઉભા રહી પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું.
વિજય રૂપાણીએ પરિવાર સાથે કર્યું મતદાન
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘વધુમાં વધુ મતદાન માટે પ્રયત્ન કરવામાં આવશે. 400 પારના નારા સાથે લોકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા જંગી લીડથી જીતશે. ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરૂ છું.’
લલિત વસોયાએ કર્યું મતદાન
પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું હતું. તેઓ ધોરાજીની આદર્શ સ્કૂલ મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા.
હર્ષ સંઘવીએ કર્યું મતદાન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સહ પરિવાર મતદાન કર્યું હતું.
સી.આર.પાટીલે કર્યું મતદાન
ભાજપ ગુજરાત પ્રમુખ અને નવસારી ઉમેદવાર સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજમાં દીકરા અનુજ પટેલ સાથે મતદાન કર્યું હતું.