ઊંઘનું મહત્વ
ઊંઘ સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. દરેક લોકોએ દિવસમાં ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ પૂરતી ઊંઘ ન લેવાના કારણે લોકોને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ વાતને લઈને એક સંશોધન સામે આવ્યું છે. જેની અંદર ચોંકાવનારા ખુલાસા થયા છે. શોધ મુજબ પૂરતી ઊંઘ ન લેવાના કારણે તમારી ખુશીઓમાં ઘટાડો થઈ શકે છે. આ સાથે માનસિક સમસ્યા અને જીવનમાં ચિંતાનું પ્રમાણ વધી જાય છે. આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે ઘણા લોકો પૂરતી ઊંઘ નથી લેતા, જેના કારણે તેઓ બીમારી પડી જાય છે.
સંશોધન
પૂરતી ઊંઘ ન કરવાના કારણે લોકોનું ભાવનાત્મક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તેમની ખુશીઓમાં પણ ઘટાડો આવી શકે છે. આ કારણે લોકોની અંદર ચિંતાનું પ્રમાણ વધી જાય છે. આ અભ્યાસની અંદર વૈજ્ઞાનિકોએ લગભગ 50 વર્ષ સુધી ઊંઘની ઉણપ અને મૂડ વચ્ચેનાં સંબંધ પર સંશોધન કર્યું હતું. આ અભ્યાસની અંદર 5700 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમા સૌથી વધુ પ્રમાણ યુવાન અને કિશોર અવસ્થાનાં લોકોનું હતું. આ સાથે સંશોધકોએ પાછળનાં 50 વર્ષનાં 154 અભ્યાસનું વિશ્લેષણ પણ કર્યું હતું.
30% વયસ્કો અને 90 % કિશોરો પૂરતી ઊંઘ લેતા નથી
આ અભ્યાસની અંદર એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સંસોધનનાં લેખક મુજબ 30 ટકા પુક્ત વયનાં લોકો અને 90 ટકા કિશોરોને પૂરતી ઊંઘ નથી આવતી. પૂરતી ઊંઘ ન લેવામાં યુવાનોનું પ્રમાણ વધુ હતું. એવું માનવામાં આવે છે કે આપણા સમાજમાં મોટાભાગનાં લોકો પૂરતી માત્રામાં ઊંઘ લેતા નથી. જેના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળે છે. આ સંદર્ભમાં, આ સંશોધન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખુબજ જોખમી
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખુબજ જોખમી છે. સતત ઓછી ઊંઘનાં કારણે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ઓછી ઊંઘનાં કારણે સ્થૂળતા, ડાયાબિટીસ, હાર્ટ અટેક, હ્રદય રોગ, બ્લડ પ્રેશર, કિડનીને લગતી સમસ્યાઓ, કેન્સર, માનસિક સમસ્યાઓ સાથે અનેક બમારીઓનું જોખમ વધી જાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ નિયમિત રીતે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ.