સામગ્રી
- તુવેર દાણા-1 કપ
- ડુંગળી -2 ઝીણી સમારેલી
- ટામેટા- 2 ઝીણા સમારેલા
- લીલું લસણ/સૂકું લસણ- 3-4 ચમચી ઝીણું સમારેલું
- લીલા મરચા- 2 ઝીણા સમારેલા
- આદુની પેસ્ટ- 1 ચમચી
- રાઈ-1 ચમચી
- જીરું- 1 ચમચી
- લાલ મરચાનો પાવડર- 1 ચમચી
- ધાણાજીરું પાવડર- 1 ચમચી
- હળદર- 1/2 ચમચી
- ગરમ મસાલો 1/2 ચમચી
- હિંગ- 1/4 ચમચી
- તેલ- 4-5 ચમચી
- પાણી- જરુર મુજબ
- મીઠું- સ્વાદ અનુસાર
બનાવવાની રીત
- સૌથી પહેલા તુવેરદાણાને સાફ કરીને પાણીથી 2-3 વાર ધોઈ લો. ત્યારબાદ એક તપેલીમાં 2 ગ્લાસ પાણી નાખીને છ-સાત કલાક માટે પલાળવા માટે રાખી દો. સાત કલાક પછી પાણી કાઢીને ફરી એકવાર પાણીથી ધોઈ લો.
- હવે તુવેર દાણાને એક કૂકરમાં નાખો અને સ્વાદમુજબ મીઠું અને 1/4 ચમચી હળદર નાખીને 2 કપ પાણી નાખી ધીમા તાપ પર 2 સીટી કરીને બાફી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો અને કૂકરમાંથી હવા નિકળવા દો.
- હવે ગેસ પર એક કડાઈ મૂકો અને તેમાં તેલ નાખીને તેને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખીને તતડાવી લો. ત્યારબાદ એમાં હિંગ અને સુધારેલી ડુંગળીને નાખીને મિક્સ કરો અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
- ડુંગળી બરાબર થઈ જાય એટલે તેમાં લીલું લસણ/સૂકું લસણ સુધારેલું નાખો અને સાથે આદુની પેસ્ટ નાખી એક મિનિટ સુધી સાંતળી લો. હવે તેમાં લીલા મરચા સુધારેલા અને ટામેટા નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ જરુર મુજબ મીઠું નાખીને મિક્સ કરીને 3-4 મિનિટ સુધી ઢાંકીને ચડવા દો.
- હવે તમે જોશો તો ટામેટા એકદમ ગરી ગયા હશે, એટલે તેમાં 1/4 ચમચી હળદર, લાલ મરચાનો પાવડર, ધાણાજીરું પાવડર નાખીને બરાબર મિક્સ કરીને થોડીવાર ચડવા દો.
- ત્યારબાદ તેમાં બાફેલા તુવેરના દાણા નાખીને બરાબર મિક્સ કરી લો અને 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા દો. 2 મિનિટ પછી એમાં ગરમ મસાલો અને 1-કપ પાણી નાખીને મિક્સ કરી ફરી ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી ચડવા દો.
- ત્યારબાદ તેમાં કોથમીર અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો. બની ગયા છે તમારા તુવેર ટોઠા તેને તમે બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો.