રવિવારે બપોર પછી શરૂ થયેલો મેઘરાજાનો નવો રાઉન્ડ સોમવારે પણ જારી રહ્યો હતો. અમદાવાદ શહેરથી લઇને જૂનાગઢ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ખેડા-આણંદ, ઉમરગામ એમ લગભગ સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લા-તાલુકામાં વરસાદ થયો હતો. પાણીની અછતના કારણે પરેશાન બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને ડિસા, સૂઇગામ, ભાભર સહિતના તાલુકામાં વરસાદ થતા રાહત થવા પામી હતી. અમદાવાદ શહેરમાં શહેરમાં રવિવારે સાંજથી તોફાની વરસાદ થયા બાદ સોમવારે પણ ઝાપટા ચાલુ રહેતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલી મેઘરાજના બીજા રાઉન્ડમાં ગ્રામ્ય વિસ્તારથી લઇને શહેરી વિસ્તારો પણ તરબોળ થઇ ગયા છે. છેલ્લા એક પખવાડિયાના વિરામ બાદ શરૂ થયેલા વરસાદના કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને વાવેતર બચી જવાનો હાશકારો થયો છે. લોકોને પણ ઉકળાટ અને બફારાથી આંશિક રાહત મળી છે. છેલ્લા બે દિવસમાં ૧૮૪ તાલુકામાં હળવાથી ભારે વરસાદ થવા પામ્યો છે. તે સાથે સીઝનનો સરેરાશ વરસાદ ૧૭.૭૦ ટકા થવા પામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી હળવાથી ભારે અને અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વિવિધ સ્થળે હળવાથી ભારે અને અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં મંગળવારે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. તે પછી પણ અનેક જિલ્લામાં મેઘરાજાની જમાવટ જારી રહેવાની આગાહી કરાઇ છે.
જૂનમાં સમયસર વરસાદ થયા બાદ મોટા પ્રમાણમાં વાવેતર કરીને રાહ જોતા ખેડૂતોને પણ લગભગ સાર્વત્રિક વરસાદના કારણે રાહત થવા પામી હતી. સૌરાષ્ટ્રના અનેક તાલુકા વિસ્તારો, ઉત્તર ગુજરાતના હિંમતનગર, વિજયનગર, શંખેશ્વર, સમી, પાટણ, તલોદ, બેચરાજીમાં ભારે વરસાદ થયો હતો. સોમવાર સવારથી સૂત્રાપાડા, માંગરોળ, વેરાવળ, વિસાવદર, ચોર્યાસી, ખાંભા, નખત્રાણા, માળિયા, વિગેરેમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. રવિવારે ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાત અને કચ્છ વિસ્તારના તાલુકાઓમાં વધુ વરસાદ થયો હતો. તો સોમવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268