International News: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે, આ યુદ્ધ હજી સમાપ્ત થયું નથી. આ દરમિયાન હમાસના વડાએ ફરી એકવાર ગાઝામાં યુદ્ધવિરામની માંગ પર ભાર મૂક્યો છે.
હમાસ ઈઝરાયેલ સાથે વાતચીત માટે તૈયાર છે
હમાસના વડા ઈસ્માઈલ હનીયેહે રવિવારે કહ્યું કે અમે ગાઝામાં યુદ્ધવિરામ કરારને પૂર્ણ કરવા માટે ઈઝરાયેલ સાથે વાતચીત માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે ગાઝામાં સંઘર્ષને લઈને મધ્યસ્થી ઘણી વખત નિષ્ફળ રહી છે. હું સ્પષ્ટપણે કહું છું કે ગાઝામાં યુદ્ધવિરામ માટે કોઈ સમજૂતી ન થવાની જવાબદારી ઈઝરાયેલની છે, પરંતુ તેમ છતાં અમે યુદ્ધવિરામ પર વાટાઘાટો ચાલુ રાખવા તૈયાર છીએ.
હનીયેહે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો હતો
હનીયેહે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો કે તે કરાર માટે હમાસની શરતોને પૂર્ણ કરવા તૈયાર નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે હમાસ કાયમી યુદ્ધવિરામ ઈચ્છે છે. આ અંતર્ગત ગાઝામાંથી ઈઝરાયલી સૈનિકોને પાછાં ખેંચવા, વિસ્થાપિત ગાઝાના લોકોને તેમના ઘરે પરત મોકલવા અને એવા વિસ્તારોમાં માનવતાવાદી સહાય પહોંચાડવી જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.
વાટાઘાટોના અનેક રાઉન્ડ નિષ્ફળ ગયા
તમને જણાવી દઈએ કે રવિવારે સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોમાં રમઝાનનો ચાંદ દેખાઈ ગયો છે. ઘણા દેશોમાં 11 માર્ચથી રમઝાન શરૂ થઈ રહ્યો છે. જોકે એવી આશા હતી કે રમઝાન પહેલા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ શકે છે, પરંતુ અનેક રાઉન્ડની વાતચીત બાદ પણ આ સમજૂતી થઈ શકી નથી.