સુદાનના અલ ફાશેર શહેરમાં એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 70 લોકોનાં મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના વડાએ રવિવારે આ માહિતી આપી. WHO ના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ આંકડો રજૂ કર્યો. ઉત્તર ડાર્ફુર પ્રાંતની રાજધાનીમાં અધિકારીઓ અને અન્ય લોકોએ શનિવારે સમાન આંકડા ટાંક્યા હતા, પરંતુ ઘેબ્રેયેસસ એ જાનહાનિની સંખ્યા પ્રદાન કરનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ત્રોત છે.
WHOના વડા ઘેબ્રેયસસે લખ્યું, ‘સુદાનના અલ ફાશેરમાં સાઉદી હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલામાં 19 દર્દીઓ ઘાયલ થયા હતા અને 70 લોકો મૃત્યુ પામ્યા હતા.’ તેમણે કહ્યું કે હુમલા સમયે હોસ્પિટલ દર્દીઓથી ખીચોખીચ ભરેલી હતી. તેમણે એ નથી કહ્યું કે હુમલો કોણે કર્યો, પરંતુ સ્થાનિક અધિકારીઓએ બળવાખોર રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) ને દોષી ઠેરવ્યા છે. RSF એ હજુ સુધી હુમલાની જવાબદારી સ્વીકારી નથી. ઘાયલોમાંથી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
દક્ષિણ સુદાનના નાગરિકો સામે હિંસા
સુદાનમાં દક્ષિણ સુદાનના નાગરિકો સામે ચાલી રહેલી હિંસા સંબંધિત ઘણા વીડિયો સામે આવ્યા છે. આ અંગે, દક્ષિણ સુદાનના અધિકારીઓએ ટેલિકોમ્યુનિકેશન વિભાગને 30 દિવસ માટે સોશિયલ મીડિયા બ્લોક કરવાનો આદેશ આપ્યો. નેશનલ કોમ્યુનિકેશન્સ ઓથોરિટી દ્વારા ટેલિકોમ કંપનીઓને સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આ મુજબ, આ કામચલાઉ પ્રતિબંધ ગુરુવારે મધ્યરાત્રિથી અમલમાં આવ્યો. તેને 90 દિવસ સુધી વધારી શકાય છે. આ નિર્દેશમાં ભાર મૂકવામાં આવ્યો છે કે જનતાના રક્ષણ માટે આ પગલું જરૂરી છે. ગેઝીરા રાજ્યમાં સ્થાનિક લડવૈયાઓ દ્વારા દક્ષિણ સુદાનના લોકોની હત્યા દર્શાવતો વીડિયો ફૂટેજ બહાર આવ્યા બાદ દક્ષિણ સુદાનના લોકોમાં ગુસ્સો છે. સુદાનના વેપારીઓની દુકાનો લૂંટાઈ ગઈ ત્યારે રાત્રે થયેલી હિંસા બાદ દક્ષિણ સુદાનના અધિકારીઓએ સાંજથી સવાર સુધી કર્ફ્યુ લાદ્યો હતો.