વોલ્ટર સમરફોર્ડ, જે બ્રિટનનો રહેવાસી હતો. તે સૈન્યમાં અધિકારી હતો. તેની સાથે એક જ જેવી ત્રણ રહસ્યમય ઘટનાઓ બની. જેના કારણે તેને લોકો ‘અશુભ’ માનવા લાગ્યા. એટલું જ નહીં, તેના મૃત્યુ પછી પણ આવી જ ઘટના બની હતી.વોલ્ટર સમરફોર્ડ સાથેની પ્રથમ ઘટના વર્ષ 1918માં બની હતી. જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તેની પોસ્ટ બેલ્જિયમમાં કરાઈ હતી. એક દિવસ તે ઘોડા ઉપર સવારી કરી રહ્યો હતો, ત્યારે તેના પર વીજળી પડી. આ ઘટના બાદ વોલ્ટર સમરફોર્ડનું શરીર કમરની નીચેનાં ભાગમાંથી લકવાગ્રસ્ત થઈ ગયું. જોકે થોડા મહિનામાં જ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ હરવા-ફરવા લાગ્યો. પરંતુ તેના સાજા થયા પહેલાં જ તેને સૈન્ય દ્વારા બળજબરીથી સેવામાંથી છૂટો કરવામાં આવ્યો હતો.વોલ્ટર સમરફોર્ડ સાથે એક જેવી જ ઘટના વારંવાર બનવાનાં કારણે તેમને ‘ઈતિહાસનો સૌથી અશુભ માણસ’ કહેવામાં આવો છે.
વોલ્ટર સમરફોર્ડ સાથે બીજી ઘટના પહેલી ઘટનાનાં બરાબર 6 વર્ષ બાદ બની. તે સમયે વોલ્ટર સમરફોર્ડે કેનેડામાં પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું. એક દિવસ તે નજીકમાં આવેલા તળાવમાં માછીમારી માટે ગયો, જ્યાં તે એક ઝાડ નીચે બેઠો હતો. ત્યારે અચાનક ફરી તેના પર વીજળી પડી. આ બીજીવારની ઘટનામાં તેના શરીરની જમણી બાજુ લકવાની અસર થઈ હતી. જોકે, ચમત્કારિક રીતે, તે બે વર્ષમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો અને ફરીથી હરવા-ફરવા લાગ્યો.
વર્ષ 1930માં વોલ્ટર સમરફોર્ડ સાથે ફરીથી આવી જ ઘટના બની. તે એક પાર્કમાં ચાલતો હતો અને સુંદર નજારો માણી રહ્યો હતો. ત્યાં અચાનક હવામાન ખરાબ થઈ ગયું અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને અચાનક ગાજવીજ સાથે એક વીજળી તેમના પર પડી. વોલ્ટર સમરફોર્ડ પર વીજળી પડવાની આ ત્રીજી ઘટના હતી. વીજળીના ત્રીજી વખતનાં પ્રહારની અસરનાં કારણે વોલ્ટર સમરફોર્ડે બે વર્ષ સુધી જીવન સાથે સંઘર્ષ કર્યો. પરંતુ આખરે તેઓ જીવનની લડત હારી ગયા અને 1932માં તેમનું અવસાન થયું.વોલ્ટર સમરફોર્ડના અવસાન પછી, તેમને પરિજનો દ્વારા કેનેડાના વેનકુવર સ્થિત માઉન્ટન વ્યૂ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. આશ્ચર્યજનક વાત તો એ છે કે, આકાશી વીજળી તેમના મૃત્યુ પછી પણ તેમનો પીછો છોડતી ન હતી, અને વર્ષ 1936માં ફરીથી વીજળી તેમની કબર પર પડી. જેના કારણે કબર ઉપર પથ્થર તૂટી ગયો. આ ઘટના ત્રીજી ઘટનાના બરાબર છ વર્ષ પછી બની હતી. દર છ વર્ષે વોલ્ટર સમરફોર્ડ પર શા માટે વીજળી પડતી હતી તે આજે પણ એક રહસ્ય છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268