દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે જેજુ એરનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 181 લોકો હતા. યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 62 લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ વિમાને થાઈલેન્ડના બેંગકોકથી ઉડાન ભરી હતી. તે બોઇંગ 737-800 જેટ હતું. પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. એવું લાગતું હતું કે લેન્ડિંગ ગિયર લૉક હતું. આ દુર્ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 9:07 વાગ્યે થઈ જ્યારે વિમાન મુઆન એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક પ્લેન એક્સિડન્ટ થયો હતો. જેજુ એરના વિમાનમાં આગ લાગી હતી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેન સળગતું જોઈ શકાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.
કાર્યવાહક પ્રમુખ ચોઈ સુંગ-મોકે તમામ બચાવ પ્રયાસોનો આદેશ આપ્યો છે. તેમની ઓફિસે આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે તેમને શુક્રવારે દેશના વચગાળાના નેતા બનાવવામાં આવ્યા હતા, કારણ કે ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અગાઉના કાર્યકારી રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કરવામાં આવ્યો હતો.
કઝાકિસ્તાનમાં 38 મૃત્યુ પામ્યા
તમને જણાવી દઈએ કે ગત બુધવારે અઝરબૈજાન એરલાઈન્સનું એક વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે ક્રેશ થયું હતું, જેમાં 38 લોકોના મોત થયા હતા. અઝરબૈજાન એરલાઈન્સે અગાઉ કહ્યું હતું કે તેના એમ્બ્રેર 190 પ્લેનને શહેરથી ત્રણ કિલોમીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે વિમાને અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયન શહેર ગ્રોનજી માટે ઉડાન ભરી હતી.
અઝરબૈજાન એરલાઈન્સ અનુસાર, પ્લેનમાં સવાર 42 મુસાફરો અઝરબૈજાનના નાગરિક હતા. આ સિવાય 16 રશિયન નાગરિકો, કઝાકિસ્તાનના છ નાગરિકો અને કિર્ગિસ્તાનના ત્રણ નાગરિકો પણ હતા.
ઓનલાઈન સામે આવેલા મોબાઈલ ફોનથી લીધેલા વિડીયોમાં વિમાન ઝડપથી જમીન પર પડતું અને આગમાં ભડકતું જોઈ શકાય છે. અન્ય ફૂટેજમાં પ્લેનનો પૂંછડીનો ભાગ પાંખોથી અલગ થયેલો અને બાકીનો ભાગ ઘાસમાં ઊંધો પડેલો જોવા મળ્યો હતો.