બુધવારે વહેલી સવારે ઈરાનમાં વિસ્ફોટથી કુદરતી ગેસ પાઈપલાઈનને નુકસાન થયું હતું. એક અધિકારીએ આ વિસ્ફોટોને દેશમાં ‘હાનિકારક અને આતંકવાદી કૃત્ય’ ગણાવ્યા છે. ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે મધ્ય પૂર્વમાં સ્થિતિ તંગ છે. ઈરાનના પશ્ચિમી ચાહરમહાલ અને બખ્તિયારી પ્રાંતથી ઉત્તરમાં કેસ્પિયન સમુદ્રના શહેરો સુધી ચાલતી કુદરતી ગેસ પાઈપલાઈન વિસ્ફોટથી પ્રભાવિત થઈ છે. જો કે, આ વિશે વધુ માહિતી શેર કરવામાં આવી નથી.
આશરે 1,270 કિલોમીટર લાંબી પાઇપલાઇન ઇરાનના દક્ષિણ પાર્સ ગેસ ફિલ્ડ હબ અસલુયેહથી શરૂ થાય છે. ઈરાનના ગેસ નેટવર્ક કંટ્રોલ સેન્ટરના મેનેજર સઈદ અગાલીએ ઈરાનના સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે ‘હાનિકારક અને આતંકવાદી’ કૃત્યને કારણે પાઈપલાઈન સાથેના અનેક વિસ્તારોમાં વિસ્ફોટ થયા હતા.
હજુ સુધી કોઈપણ જૂથનું નામ જાહેર કરવામાં આવ્યું નથી
અઘાલીએ વિસ્ફોટો માટે કોઈ શંકાસ્પદ અથવા જૂથનું નામ લીધું ન હતું. આરબ અલગતાવાદીઓએ ભૂતકાળમાં દક્ષિણપશ્ચિમ ઈરાનમાં ઓઈલ પાઈપલાઈન પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. જો કે, પાઈપલાઈન જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે આવા હુમલા અત્યંત દુર્લભ છે.
ઈરાન મધ્ય પૂર્વના યુદ્ધમાં ફસાઈ ગયું છે
ઉલ્લેખનીય છે કે ઈરાન હાલમાં મધ્ય પૂર્વમાં યુદ્ધમાં ફસાયેલ છે. ઈરાન સમર્થિત હુથી અને હિઝબુલ્લા સંગઠન ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યા છે. ઈરાન પર આ તમામને હથિયાર આપવાનો આરોપ છે. અમેરિકાએ પણ ઈરાનને ઘણી વખત ચેતવણી આપી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરના દિવસોમાં તણાવ વધ્યો છે. બીજી તરફ ઈરાન અને પાકિસ્તાન વચ્ચે પણ તાજેતરના દિવસોમાં તણાવ વધ્યો હતો.