ચિલીના જંગલોમાં લાગેલી આગની ખરાબ અસર થઈ રહી છે. ચિલીમાં 100 થી વધુ જંગલોમાં લાગેલી આગ આબોહવા પર પણ નકારાત્મક અસર કરી શકે છે. આગને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે અને સેંકડો લોકો લાપતા હોવાના અહેવાલ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશ એક મોટી દુર્ઘટનાનો સામનો કરી રહ્યો છે. ચિલીના દરિયાકાંઠાના શહેરોમાં ધુમાડાના ગોટેગોટાને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. જેના કારણે સ્થાનિક લોકોને ઘર છોડીને ભાગવાની ફરજ પડી રહી છે.
મળતી માહિતી મુજબ, ઘણા દિવસો પહેલા જંગલમાં લાગેલી આગને કારણે વિના ડેલ માર અને વાલપારાઈસોના બહારના ભાગો જોખમમાં છે. આ બંને દરિયાકાંઠાના શહેરો પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. યુનિવર્સિટી ઓફ કોન્સેપ્સિયનના સંશોધક ફ્રાન્સિસ્કો ડે લા બેરેરાએ જણાવ્યું હતું કે: 2017 માં, જ્વાળાઓએ ચિલીમાં એક શહેરનો નાશ કર્યો હતો અને 11 લોકો માર્યા ગયા હતા. 2023માં લાગેલી આગમાં 10 લાખ એકરથી વધુ જંગલ બળી ગયું હતું અને બે ડઝન લોકોના જીવ ગયા હતા.
આગ કોણે લગાવી, આટલી ભયાનક કેવી રીતે બની?
હવે ચિલી આ સદીની સૌથી ભયંકર જંગલી આગનો સામનો કરી રહ્યું છે. રાજધાની સેન્ટિયાગોના ઉત્તર-પશ્ચિમમાં મધ્ય ચિલીના વાલ્પારાઈસો ક્ષેત્રમાં અલગ-અલગ પર્વતો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે. એવું માનવામાં આવે છે કે દક્ષિણ અમેરિકામાં આગ માનવીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગરમી અને દુષ્કાળના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
કોલંબિયામાં આગને આપત્તિ જાહેર કરવામાં આવી છે
સંશોધન મુજબ, પર્વતીય પવનો આ આગને દરિયાકાંઠાના વિસ્તારમાં નીચે તરફ ધકેલી દે છે, જેના કારણે વસ્તીવાળા વિસ્તારોમાં ગરમી વધુ છે. આ કારણે ઉત્તર દક્ષિણ અમેરિકામાં તાપમાનમાં રેકોર્ડ તોડતા વધારો થયો છે, તેની અસર કોલંબિયા સુધી પહોંચી છે. આગને કારણે, કોલંબિયાની સરકારે તાજેતરમાં આગને આપત્તિ જાહેર કરી હતી.