યુક્રેન યુદ્ધના કારણે અમેરિકા અને બ્રિટન હવે એક નવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બ્રિટન અને અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છે કે ઈરાન દ્વારા રશિયાને બેલેસ્ટિક મિસાઈલો આપવામાં આવી છે અને તેના બદલામાં રશિયાએ પરમાણુ રહસ્યો શેર કર્યા છે. વોશિંગ્ટન ડીસીમાં તેમની સમિટ દરમિયાન, બ્રિટિશ પીએમ કીર સ્ટારમર અને યુએસ પ્રમુખ બિડેને સ્વીકાર્યું કે બંને દેશો એવા સમયે સૈન્ય સહયોગ વધારી રહ્યા છે જ્યારે ઈરાન લાંબા સમયથી પરમાણુ હથિયાર બનાવવા માટે યુરેનિયમને સમૃદ્ધ કરવાની પ્રક્રિયામાં છે. ગાર્ડિયનના અહેવાલ મુજબ, બ્રિટિશ સૂત્રોએ સંકેત આપ્યો છે કે પરમાણુ ટેક્નોલોજી માટે રશિયા સાથે ઈરાનના સંબંધો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ગયા અઠવાડિયે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન બ્રિટનની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે આવી જ ચેતવણી આપી હતી. જો કે, તે સમયે તેના પર બહુ ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું. બ્લિંકને કહ્યું હતું કે, ‘રશિયા એ ટેક્નોલોજી શેર કરી રહ્યું છે જે ઈરાન ઈચ્છે છે. આ એક દ્વિ-માર્ગી સ્ટ્રીટ છે, જેમાં પરમાણુની સાથે સાથે અંતરિક્ષ સંબંધિત ટેકનોલોજી પણ આપવામાં આવી રહી છે. બ્લિંકને બંને દેશો પર અસ્થિર પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ મૂક્યો છે જે વિશ્વ માટે ખતરો છે.
ચાર પરમાણુ બોમ્બમાંથી યુરેનિયમ
બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ગયા અઠવાડિયે સંયુક્ત રીતે ચેતવણી આપી હતી કે ઈરાનનો સમૃદ્ધ યુરેનિયમનો ભંડાર સતત વધી રહ્યો છે. તેની પાસે ચાર પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ છે. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે ઈરાન પાસે શસ્ત્રો બનાવવાનું કેટલું જ્ઞાન છે અથવા તે કેટલી ઝડપથી આવું કરી શકે છે. પરંતુ રશિયન વૈજ્ઞાનિકો સાથે મળીને શસ્ત્રો બનાવવા અથવા રશિયન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઈરાનને જલદી બોમ્બ બનાવવામાં મદદ કરી શકે છે. જોકે ઈરાન એ વાતનો ઈન્કાર કરે છે કે તે પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઈરાન રશિયાને હથિયાર સપ્લાય કરી રહ્યું છે
ઈરાને 2015 માં યુએસ અને અન્ય પશ્ચિમી દેશો સાથે પ્રતિબંધોમાંથી રાહતના બદલામાં પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન ન કરવા માટે કરાર કર્યો હતો. 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરાર તોડ્યો હતો. છેલ્લા ઘણા મહિનાઓથી એવા અહેવાલો આવી રહ્યા છે કે પશ્ચિમી દેશો ચિંતિત છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની નજીક છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર આક્રમણ કર્યા બાદ તરત જ ઈરાને રશિયાને ડ્રોન સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. આજે ઈરાન રશિયન શસ્ત્રોનું કારખાનું બની ગયું છે. રશિયા અને ઈરાન ઐતિહાસિક રીતે સાથી નથી. પરંતુ તેઓ પશ્ચિમ વિરોધી હોવાથી એકસાથે આવ્યા છે.